People Choosing Hotels Over Homes: ચીનમાં લોકો ઘર છોડીને લક્ઝરી હોટલમાં રહી રહ્યા છે, આપી આ દલીલ
People Choosing Hotels Over Homes: આજના સમયમાં જ્યારે મોટા ભાગના લોકો વૈભવી જીવન જીવવા માટે ક્યારેક મોટી હોટેલમાં રોકાય છે, ત્યારે ચીનમાં લોકો હવે હોટલને જ પોતાનું ઘર બનાવી રહ્યા છે. આ ટેન્ડેન્સી હવે ધીમે ધીમે ટ્રેન્ડમાં ફેરવાઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ માટે હોટલમાં રહેવું માત્ર આરામદાયક જ નથી, પણ આવાસ ભાડાની સરખામણીમાં વધુ આર્થિક રીતે ફાયદાકારક પણ સાબિત થઈ રહ્યું છે.
ચીનના ઘણા શહેરોમાં ખાસ કરીને યુવા વર્ગ હોટેલોમાં લાંબા સમય સુધી રહીને જીવન પસાર કરી રહ્યો છે. તેઓ કહે છે કે તેમને મકાનમાલિક સાથેના તણાવથી મુક્તિ મળે છે. કોઇ ભાડા કરાર નહીં, કોઇ ડિપોઝિટ નહીં અને કોઇ એજન્ટને કમિશન આપવાની જરૂર પણ નથી. હોટેલમાં રહેવા માટે માત્ર દર મહિને ફી ચૂકવવી પડે છે, જે ઘણી વખત એપાર્ટમેન્ટના ભાડાથી પણ ઓછી હોય છે.
ઉદાહરણ તરીકે, શાંઘાઈમાં રહેતા 24 વર્ષીય ગેમરે જણાવ્યું કે એક શેયર્ડ એપાર્ટમેન્ટનું ભાડું લગભગ 1000 યુઆન છે, જ્યારે એક વ્યક્તિએ રહેવાં માટે સંપૂર્ણ એપાર્ટમેન્ટ ભાડે લેવા માટે 2000-3000 યુઆન સુધી ખર્ચવું પડે છે. બીજી બાજુ, એક સરળ હોટેલમાં રહેવું તેમને માટે માત્ર 2500 યુઆનમાં શક્ય બને છે અને એમાં કાયમી પાણી, વીજળી, સફાઇ અને ઘણીવાર મફત નાસ્તાની સુવિધા પણ મળી જાય છે.
યુવાનો માટે આ મોડલ ખાસ કરીને આકર્ષક છે કારણ કે તે ન માત્ર આરામદાયક છે પણ જીવનની ગુણવત્તા પણ જાળવી શકે છે. હોટલોથી તેમને મેટ્રો, રેસ્ટોરાં અને બજાર જેવી સુવિધાઓ નજીક મળી રહે છે, જે રોજિંદા જીવનને વધુ સરળ બનાવે છે.
આ રીતે હવે ચીનના કેટલાક શહેરોમાં ‘હોટેલ’ માત્ર પ્રવાસીઓ માટેનું રોકાણ સ્થાન નહીં રહ્યું, પણ ઘણા લોકો માટે એ હવે સ્થાયી રહેઠાણ બની ગયું છે – અને એ પણ ખુબજ સમજદારીભર્યા ખર્ચ પર.