Crude Oil ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા, શું સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ?
Crude Oil દેશ અને દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે અને તેના પડસેઅસર તરીકે હવે ભારતીય લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા છે. ભારત હાલમાં $69.39 પ્રતિ બેરલની કિંમતે ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 22% સસ્તું છે.
વૈશ્વિક સ્તરે માંગ ઘટવાની સાથે, ક્રૂડના ભાવમાં હજી વધુ ઘટાડો જોવા મળી શકે છે. ગોલ્ડમેન સૅક્સના અંદાજ અનુસાર, 2025ના બાકીના મહિનાઓમાં ક્રૂડ ઓઇલ $63 પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. OPEC દ્વારા પણ આગામી મહીનાઓ માટે ઉત્પાદન અને માંગનું અનુમાન ઘટાડી દેવામાં આવ્યું છે, જે ભાવ ઘટાડાની દિશામાં મોટો સંકેત છે.
ભારતમાં હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ આશરે રૂ. 5561 પ્રતિ બેરલ, એટલે કે રૂ. 35 પ્રતિ લિટરની નજીક છે. તેમ છતાં, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ હજુ પણ રૂ. 100થી ઉપર છે, અને ડીઝલ રૂ. 90થી વધુ છે.
તાજેતરમાં, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું હતું કે તેલ કંપનીઓ પાસે પ્રતિ બેરલ $75ના દરે 45 દિવસનો સ્ટોક છે. તેમ છતાં, સરકારનો મેસેજ સ્પષ્ટ છે — જો વૈશ્વિક બજારમાં ભાવ નીચા રહેશે, તો જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ ગ્રાહકોને રાહત આપી શકે છે.
શું ગ્રાહકોને મળશે સીધી રાહત?
તેલ કંપનીઓ દ્વારા ભાવ ઘટાડો કરવો સંપૂર્ણ રીતે વાણિજ્યિક નિર્ણયો પર આધારિત છે, પરંતુ ગયા વર્ષોનો ટ્રેન્ડ જોવો તો એવું જોવા મળ્યું છે કે કૃત્રિમ રીતે ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે, ખાસ કરીને ચૂંટણી પહેલાંના સમયમાં.
જો ક્રૂડ ઓઇલના ભાવ વધુ સમય માટે નીચા રહે છે, તો સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલમાં ચોક્કસ રાહત મળી શકે છે. હવે જોવાનું એટલું જ બાકી છે કે તેલ કંપનીઓ આ બદલાવ ક્યારે સ્થાન આપે છે.