Ambaji–Abu Road rail project શક્તિપીઠ અંબાજી માટે માર્ગ: ગુજરાતને મળી નવી રેલ લાઇનની ભેટ, 15 સ્ટેશનો અને દેશની સૌથી મોટી ટનલથી જોડાશે ભક્તોનો માર્ગ
2,798 કરોડના ભવ્ય રેલવે પ્રોજેક્ટથી અંબાજી યાત્રાનો રસ્તો થશે સરળ અને સલામત
Ambaji–Abu Road rail project ગુજરાતના ભક્તો માટે ખુશખબર છે. અંબાજી શક્તિપીઠ તરફ યાત્રા કરનારા લાખો શ્રદ્ધાળુઓ માટે નવો રેલ માર્ગ હવે હકીકત બનવા જઈ રહ્યો છે. ગુજરાત રેલવે અને કેન્દ્રીય રેલવે મંત્રાલયની ભાગીદારીમાં તૈયાર થતો “તારંગા ટેકરી–અંબાજી–આબુ રોડ” રેલવે પ્રોજેક્ટ હવે ઝડપ પકડતો જઈ રહ્યો છે.
આ રેલ પ્રોજેક્ટની લંબાઈ 116.65 કિમી હશે અને તે 5 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ લાઇન 6 નદીઓ અને 60 ગામડાઓમાંથી પસાર થશે અને તેની સાથે ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં વસતા 104 ગામડાઓને સીધી કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 2,798.16 કરોડનો અંદાજિત ખર્ચ આવશે અને તેને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
પ્રોજેક્ટના મહત્વપૂર્ણ ભાગ રૂપે પોશીના તાલુકામાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં 1.3 કિમી લાંબી ટનલનું નિર્માણ શરૂ થઈ ગયું છે. આ ટનલ ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ટનલ હશે, જે 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી હશે. સમગ્ર લાઇનમાં કુલ 13 ટનલ બનાવવામાં આવશે, જેની કુલ લંબાઈ 13 કિમી હશે. આ ઉપરાંત 54 મોટા પુલ, 151 નાના પુલ અને 15 રેલવે સ્ટેશનોનો પણ સમાવેશ થશે.
અંબાજી ખાતે આ રૂટ પર સૌથી મોટું રેલવે સ્ટેશન બનશે, જ્યાં છ માળનું રેસ્ટ રૂમ કોમ્પ્લેક્સ બનાવાશે—જે ખાસ કરીને ધાર્મિક પ્રસંગો દરમિયાન ભક્તોને આરામદાયક રહેવા માટે સુવિધાઓ આપશે. આ ટ્રેક પર આબુ રોડ બ્લોક નજીક 80 મીટર ઊંચો પુલ પણ બનાવાશે, જે આખા પ્રોજેક્ટનો સૌથી ઊંચો પોઈન્ટ હશે.
આ રેલ માર્ગ ફક્ત તીર્થયાત્રાળુઓ માટે નહિ પણ સ્થાનિક વિકાસ માટે પણ આધારસ્તંભ સાબિત થશે. ગુજરાત અને રાજસ્થાનના અનેક ધાર્મિક સ્થળો હવે એકબીજા સાથે સંકળાશે, જે પ્રવાસન અને આર્થિક વિકાસ બંને માટે મહત્વપૂર્ણ છે.