Grandma Becomes Mom: પૌત્રીને દત્તક લઈ 70 વર્ષની ઉંમરે મા બનવાની અનોખી વાર્તા
Grandma Becomes Mom: સામાન્ય રીતે માતા–પુત્રી અને દાદી–પૌત્રીના સંબંધો અલગ હોય છે, પરંતુ સ્પેનની જાણીતી અભિનેત્રી એના ઓબ્રેગોનનો સંબંધ થોડો અનોખો છે. 70 વર્ષની ઉંમરે તેમણે 2 વર્ષની બાળકી અનિતા સાન્દ્રાને કાયદેસર રીતે દત્તક લીધી છે. ખાસ વાત એ છે કે આ બાળક એના માટે માત્ર પુત્રી નથી, પણ પૌત્રી પણ છે.
આ બધાની શરૂઆત 2020માં થઈ, જ્યારે એના પુત્ર એલેસ લેચિયોને દુર્લભ પ્રકારના કેન્સર, ઈવિંગ્સ સાર્કોમાનું નિદાન થયું હતું. રોગની ગંભીરતાને સમજીને એલેસે પોતાનાં શુક્રાણુ સ્ટોર કરાવ્યા હતા. 2022માં કેન્સર સામે જંગ હારીને જ્યારે એલેસનું નિધન થયું, ત્યારે એના માટે દુનિયા અધૂરી બની ગઈ. દીકરાના ગયા બાદ પણ તેના અંશને જીવંત રાખવાની ઈચ્છાએ એને નવી દિશા આપી.
એનાએ તેનું મન મજબૂત કર્યું અને પોતાના દીકરાના શુક્રાણુનો ઉપયોગ કરીને એક બાળકને જન્મ આપવા માટે સરોગસીનો માર્ગ અપનાવ્યો. જોકે, સ્પેનમાં સરોગસી ગેરકાયદેસર હોવાથી, તેમણે અમેરિકા જઇને આ પ્રક્રિયા પૂર્ણ કરી. ત્યાર બાદ, કાયદેસર રીતે અનિતાને દત્તક લીધી.
View this post on Instagram
એના કહે છે કે એ પૌત્રીને પ્રેમ તો કરે જ છે, પણ સાથે–સાથે એમાં પોતાના દીકરાની છબી પણ જુએ છે. બાળકના આવવાથી એના જીવનમાં ખાલીપો ભરાયો છે. જોકે, તેઓ સ્વીકાર કરે છે કે 70 વર્ષની ઉંમરે બાળકીની પરવરિશ કરવી સરળ નથી. દૈહિક રીતે થોડી મુશ્કેલીઓ આવે છે, છતાં પણ તેઓ આનંદ અનુભવે છે કે તેઓ પુત્રનો વારસો જીવંત રાખી શક્યાં.
એના આ નિર્ણય માટે તેમને પ્રશંસાની સાથે-સાથે ટીકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે, પણ તેમનું માનવું છે કે જ્યારે નિર્ણય પ્રેમમાંથી લેવાયો હોય, ત્યારે દુનિયાની કોઈ ટીકા મહત્વની નથી.