Toothache Turned Life-Threatening: દાંતનો દુખાવો બન્યો જીવલેણ, યુવાનનો અનુભવ આપશે ચેતવણી
Toothache Turned Life-Threatening: શું તમને ક્યારેય લાગ્યું છે કે દાંતનો દુખાવો જીવલેણ સાબિત થઈ શકે? સામાન્ય લાગતા દાંતના દુખાવાએ એક યુવકને જીવલેણ સ્થિતિ સુધી પહોંચાડી દીધો. ઈંગ્લેન્ડના વેલ્સમાં રહેતા 40 વર્ષીય જેમ્સે એક એવા અનુભવ સાથેનો ખુલાસો કર્યો છે, જે દરેક માટે ચેતવણીરૂપ સાબિત થઈ શકે છે. તેણે રેડિટ પર પોતાની ઘટના શેર કરી હતી, જેમાં દાંતની દુખાવાની શરૂઆતથી લઇને ત્રણ કલાક સુધી ચાલેલી સર્જરી સુધીની સમગ્ર ઘટના વર્ણવી છે.
જેમ્સ જણાવે છે કે તેની સમસ્યા માત્ર સામાન્ય દુખાવાથી શરૂ થઈ હતી. શરૂઆતમાં થતો થોડો દુખાવો અને પરુ દેખાઈ આવ્યા પછી પણ તેણે તેને ગંભીરતાથી ન લીધી. પરંતુ થોડા દિવસોમાં જ તેનો ચહેરો એટલો ફૂલી ગયો કે ઓળખવો પણ મુશ્કેલ બની ગયો. ડાબા તરફના નીચેના દાંત ખરાબ હાલતમાં હતા અને ચેપ ફેલાતો ગયો. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે એને તરત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
ત્યાં ડોક્ટરોએ તેમને જણાવ્યું કે તેઓ સેપ્સિસથી પીડાઈ રહ્યાં છે – જે જીવલેણ ચેપ છે. થોડો પણ વિલંબ થાત, તો તેમનો જીવ જઈ શકત. ત્રણ કલાક સુધી સર્જરી કરી એમના ચહેરામાંથી ચેપ દૂર કરવામાં આવ્યો અને સડેલો દાંત કાઢી નાખવામાં આવ્યો.
જેમ્સ કહે છે કે આ અનુભવ પછી તેણે સમજ્યું કે દાંતની નાની સમસ્યાઓને અવગણવી ઘાતક સાબિત થઈ શકે છે. તેણે એ પણ માની લીધું કે ઘણીવાર પુરુષો તબીબી સારવાર લેવામાં સંકોચ અનુભવે છે, પરંતુ હવે તે બીજાઓને પણ સલાહ આપે છે કે દાંતના દુખાવાને કદી હલ્કા મનાય નહીં.
જેમ્સ આજે સુરક્ષિત છે, પરંતુ તેણે પોતાનું જૂનો દાંત પણ સ્મૃતિ તરીકે રાખ્યું છે – ભલે તેની પત્ની એ દાંત ઘરમાં રાખવા સામે હોય.
આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે દાંતના દુખાવાને અવગણવાનું નહિ – તે જીવલેણ સાબિત થઈ શકે છે.