Trump Putin relationship: શું યુક્રેન યુદ્ધને કારણે મિત્રતા તૂટવા લાગી છે?
Trump Putin relationship: શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વર્ષોથી ચાલી રહેલો ‘બ્રોમાન્સ’ હવે તેના અંત તરફ છે? યુક્રેન યુદ્ધને લઈને ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ અને વલણથી આ સવાલ ફરી ચર્ચામાં છે.
ટ્રમ્પ, જેમણે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી જીતતા પહેલા દાવો કર્યો હતો કે તેઓ કાર્યકાળના પહેલા 24 કલાકમાં જ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરાવી દેશે, તેઓ હવે ખુદ પુતિનથી નારાજ જણા રહ્યા છે. સાત મહિનાના શાસન છતાં યુદ્ધ અટક્યું નથી, પરંતુ વધુ તેજ બન્યું છે. રશિયા સતત યુક્રેનિયન શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે.
પુતિન પર ટ્રમ્પની નારાજગી
તાજેતરમાં, ટ્રમ્પે વ્લાદિમીર પુતિન પર યુક્રેન મુદ્દે “બકવાસ” કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ હવે પુતિનથી “નિરાશ” છે. તેમણે કહ્યું,
“પુતિને ખરેખર ઘણા લોકોને ચોંકાવી દીધા છે. તેઓ સારી વાતો કરે છે અને પછી સાંજે બધા પર બોમ્બ ફેંકે છે.”
ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે પુતિન ઘણીવાર મીઠી વાતો કરીને ગેરમાર્ગે દોરે છે, પરંતુ તેમનું વર્તન બિલકુલ વિપરીત હોય છે.
કીવને પેટ્રિઓટ સિસ્ટમનું વચન
રવિવારે ટ્રમ્પે યુક્રેનને પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનું વચન આપ્યું અને રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાના સંકેત પણ આપ્યા. તેમણે કહ્યું,
“તેમને તેની સખત જરૂર છે. અમે તેમને અત્યાધુનિક સૈન્ય ઉપકરણો મોકલીશું, અને તેના માટે તેઓ 100% ચૂકવણી કરશે… આ આપણા માટે વેપાર હશે.”
જોકે, તેમણે કેટલી સૈન્ય સહાય મોકલવામાં આવશે તે સ્પષ્ટ કર્યું નથી.
રાજદ્વારી હલચલ વચ્ચે ટ્રમ્પનો યુ-ટર્ન
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને નાટો યુક્રેનને લઈને રાજદ્વારી હલચલમાં વ્યસ્ત છે. સોમવારે ટ્રમ્પ નાટોના મહાસચિવ માર્ક રૂટને મળવાના છે, અને અમેરિકી વિશેષ દૂત યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા છે.
વળી, વ્હાઇટ હાઉસે યુક્રેનને રોકી દેવાયેલી હથિયાર પુરવઠાના નિર્ણયને પલટાવતા નવા કરારની જાહેરાત કરી છે, જેના હેઠળ અમેરિકાને બદલે હવે નાટો કેટલાક હથિયારોનો ખર્ચ ઉઠાવશે.
જૂના વલણથી વિપરીત દિશામાં ટ્રમ્પ
આ ટ્રમ્પના જૂના વલણથી મોટો બદલાવ છે. એપ્રિલમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને જ યુદ્ધ શરૂ કરવા માટે દોષી ઠેરવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું,
“તમે તમારાથી 20 ગણા મોટા કોઈની સાથે યુદ્ધ શરૂ કરતા નથી અને અપેક્ષા રાખો છો કે દુનિયા તમને મિસાઈલો આપે.”
પરંતુ હવે ટ્રમ્પ ફરી એકવાર યુક્રેનના સમર્થનમાં દેખાઈ રહ્યા છે અને પુતિન પર સીધો પ્રહાર કરી રહ્યા છે.
શું આ ટ્રમ્પની રણનીતિમાં બદલાવ છે કે પછી એક વધુ રાજકીય વળાંક? આવનારા દિવસો આ સ્પષ્ટ કરશે.