આ આગ ઝરતા શબ્દો હતા શબ્દોના જાદુગર અને પોતાની વિચક્ષણ વકૃત્વ કળા માટે જાણીતાં ભાજપના તેજતરાર નેતા સુષ્મા સ્વરાજના.
‘લેડી ટાઇગર’ અને ભાજપની નવી પેઢીમાં ‘દીદી’ તરીકે ઓળખાતાં સુષ્મા સ્વરાજનો જન્મ તારીખ 14 ફેબ્રુઆરી 1953ના રોજ હરિયાણાના અંબાલા કેન્ટમાં થયો હતો. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં સ્વયંસેવક હતા. અંબાલમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે પંજાબ યુનિવર્સિટીમાં વકીલાતનો અભ્યાસ કર્યો અને પછી સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે પોતાના સમયમાં કોલેજમાં બેસ્ટ એનસીસી કેડેટ એવાં સુષ્માજી નું સ્વપ્ન કોલેજ બાદ સેનામાં જોડાવાનું હતું પરંતુ તત્કાલીન સૈન્યના નિયમોના કારણે આ શક્ય બન્યું નહોતું.
લાગલગાટ ત્રણ વર્ષ સુધી પંજાબ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વક્તાનો ખિતાબ જીતનાર સુષ્માજીએ કોલેજકાળ દરમિયાન અખિલ ‘ભારતીય વિદ્યાર્થી પરિષદ’થી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ જયપ્રકાશ નારાયણ સાથે જોડાયા અને કટોકટી વખતે યુવાવયે પોતાના તીખા ભાષણોનો મારો ઇન્દિરા સરકાર પર ચલાવ્યો. સતત બે વખત હરિયાણા વિધાનસભામાં ચૂંટાયા બાદ ઇસ.1975માં ચૌધરી દેવીલાલની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. જે સહુથી યુવા કેબિનેટ મંત્રી તરીકે એક રેકોર્ડ હતો. ત્યારબાદ 90ના દશકમાં અટલબિહારી વાજપેયીની પારખું નજરે આ હીરો તલાશીને સુષ્મા સ્વરાજને દિલ્હી બોલાવી લીધા, 1990 થી 1996 સુધી તેઓ રાજ્યસભામાં સાંસદ રહ્યાં. 1996માં દક્ષિણ દિલ્હીથી લોકસભામાં ચૂંટાઈને વાજપેયી સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી બન્યાં. બાદમાં 1998માં ત્રણ મહિના માટે દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. 1999માં લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે સોનિયા ગાંધી કર્ણાટકના બેલ્લારીથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેને પડકાર આપવા માટે ભાજપે સુષ્મા સ્વરાજ પર દાવ ખેલ્યો, તેઓ ચૂંટણી તો હારી ગયા પરંતુ ભાજપના કદાવર મહિલા નેતા બની ગયા. બાદમાં આગલા વર્ષે ફરીથી રાજ્યસભામાં ચૂંટાઈને સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા અને 2004 સુધી આ પદ પર રહ્યા હતાં. 2004માં મધ્યપ્રદેશના વિદીશાથી તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈને લોકસભામાં વિપક્ષના ઉપનેતા બન્યા હતાં. 2009ની લોકસભા બાદ ભાજપે સુષ્માજીને વિપક્ષના નેતા બનાવતાં તેઓ આઝાદી બાદ સર્વપ્રથમ મહિલા વિપક્ષના નેતા બન્યા હતા.
2014માં જ્યારે નરેન્દ્ર મોદીનો સૂરજ મધ્યાહને હતો ત્યારે સુષ્માજી લાલકૃષ્ણ અડવાણી છાવણીમાં ગણાતા હતા. પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેમને મોદી સરકારમાં વિદેશમંત્રીનું મોભાદાર પદ મળતાં ફરી એક વખત તેમના અનુભવ અને જ્ઞાન કદર થઈ હતી. વિદેશમંત્રીના કાર્યકાળમાં પણ ટ્વિટર વડે સતત લોકો સાથે સંપર્કમાં રહીને તેમની મદદ માટે હર હંમેશ તૈયાર રહેતાં સુષ્માજીએ વિદેશમાં ફસાયેલ ઘણા ભારતીય નાગરિકોને મદદ તેમજ કાઉન્સેલર એક્સેસ આપીને એક કામઢા મંત્રીનો દાખલો બેસાડ્યો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં પાકિસ્તાનનું નામ લઈને ત્યાં પનપી રહેલ આતંકવાદ વિશે આડે હાથ લઈને તેને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડ્યું હતું.
આજકાલ દરેક રાજકીય નેતાઓ પોતાના અંત સુધી સત્તા ટકાવી રાખવા માટે ધમપછાડા કરે છે ત્યારે 2019માં પોતાની તબિયતનો હવાલો આપીને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. અને પોતાનો સાંસદ તરીકેનો બંગલો પણ ત્વરીત ખાલી કરીને એક દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું.
કુશળ વક્તા, નખશિખ રાષ્ટ્રભકત, અજાતશત્રુ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી સુષ્મા સ્વરાજ આજે આપણી વચ્ચે નથી ત્યારે એમની ખોટ સદા દેશને રહેશે.