Valsad: પારડીના આસ્મા ગામના તળાવ ખોદકામ મુદ્દે ભારે વિવાદ, કલેક્ટરનાં આદેશ વિરુદ્વ તળાવ ખોદવાનું સ્થગિત કરી દેતા નાયબ ડીડીઓ
Valsad વલસાડનાં પારડીના આસ્મા ગામના તળાવ ખોદકામ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે.કલેક્ટર અને નાયબ ડીડીઓ આમને સામને આવી ગયા છે. આ પ્રકરણમાં જિલ્લા ક્લેકટર અને જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓના અલગ-અલગ હુકમથી ભારે આશ્ચર્ય સર્જાયું છે જિલ્લા કલેકટરના હુકમમાં નિયત ફી અને તમામ પુરાવાના આધારે તળાવ ખોદવાની મંજૂરી આપવામાં આવી હતી.આ મંજૂરી મળ્યા બાદ તળાવની કામગીરી ગ્રામજનોએ અટકાવતાં જિ.પં. નાયબ ડીડીઓએ કામગીરી સ્થગિત કરવાનો આદેશ કર્યો છે.
પારડીના આસ્મા ગામે તળાવ ખોદકામના મુદ્દે ગ્રામજનોમાં બેજૂથ જોવા મળી રહ્યાં છે. એક ગૃપ પાણી સંગ્રહ માટે તળાવ ખોદકામની માગ કરી રહ્યું છે.બીજુ ગૃપ પંચાયતમાં એક પણ રૂપિયો જમા ન થયો હોવાથી તળાવ ખોદકામની કામ બંધ કરવા માંગ કરી રહ્યું છે.બીજી તરફ હવે તળાવ મંજૂરી પ્રકરણમાં બે હુક્મ જોવા મળી રહ્યાં છે. કલેકટર ખાણ-ખનીજ વિભાગે આપેલી મંજૂરી તથા જિ.પં.ના નાયબ ડીડીઓના હુકમ અલગ-અલગ છે.
જિલ્લા કલેકટરે 18-12-2024ના રોજ કરેલા હુકમમાં જણાવ્યું હતું કે અરજદાર પ્રેમ એન્ટરપ્રાઇઝની બલ્ક પરમીટની ઓફ લાઇન અરજી 20-11-2024થી મોજે આસ્મા તા.પારડી જિ.વલસાડના સરકારી સર્વે નંબર -287 (સરકારી પડતર) તળાવ વિસ્તાર 69.31.02 હેકટરમાંથી 200000 મે.ટન સાદી માટી ખનીજ ખસેડવા માટે ઓફ લાઇન મેન્યુઅલી અરજી નિયત અરજી ફી રૂ.10000 ભરપાઇ કરી જરૂરી બિડાણો આધારો કરેલા છે. ક્લેકટરે તમામ ઝીણવટપૂર્વકની વિગતો સાથે તળાવ ખોદવા મંજૂરી આપી હતી.
ક્લેક્ટરે આપેલી મંજૂરી સામે બીજી તરફ વલસાડ તાજેતરમાં ગ્રામજનોની રજૂઆતના પગલે પગલે વલસાડ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.વી.ડાંગીએ કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત આસ્મા તાલુકો પારડીએ હાલ તળાવમાં કોઇ પણ પ્રકારનું ખોદકામ ના કરવા બાબતની ગ્રામ પંચાયતે સૂચનાનો અમલ તેમજ ખાસ ગ્રામસભામાં તળાવ પ્રશ્ન નિરાકરણ માટે ચર્ચા કરી યોગ્ય ઠરાવ કરવા બાબત અને ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવા જણાવાયુ છે. આમ હવે બે હુક્મમાં કોનો હુકમ સાચો ગણવો તેની ચર્ચા ગ્રામજનોમાં પણ થઇ રહી છે.
સામ સામે આક્ષેપોનો મારો
કેટલાક ગ્રામજનો તળાવ ખોદકામના મુદ્દે સતત ક્લેકટર અને સંબંધિત વિભાગને લેખિત રજૂઆતો કરી રહ્યાં છે. તો સામા પક્ષે પ્રેમ એન્ટરપ્રાઇઝનાં મિતલબેન પટેલે જણાવ્યું હતું કે ગણતરીના લોકો કામ અટકાવે છે. આસ્મા ગામની સભામાં ઠરાવ થયો છે.પંચાયતને છે. એકલાખ સ્વભંડોળમાં જમા કર્યા છે. બે લાખના બે ચેક ડિપોઝીટ કર્યા છે. કુલ 3 લાખ રૂપિયા પંચાયતમાં જમા કરાવ્યાં છે. ક્લેકટરે આપેલી મંજૂરીના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે. તમામ શરતોનું પાલન કર્યુ છે.સરકારી વિભાગે મંજૂરી આપ્યા બાદ તળાવ ખોદકામની કામ ચાલુ કરાયુ હતું.જેથી પંચાયતમાં એક રૂપિયો જમા થયો નથી એ વાત તદ્દન ખોટી છે.