India Forex Reserves ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં નોંધપાત્ર વધારો
India Forex Reserves તાજેતરમાં પ્રકાશિત થયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના આંકડા મુજબ, ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 18 એપ્રિલ, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ અનામત $8.31 બિલિયનથી વધીને કુલ $686.14 બિલિયન પર પહોંચી છે. આ છેલ્લા છ મહિનામાં સૌથી ઊંચું સ્તર છે, જે ભારતના આર્થિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.
આ સાથે સોનાના ભંડારમાં પણ વધારો થયો છે. હવે ભારતનો ગોલ્ડ રિઝર્વ $84.572 બિલિયન થયો છે. ભારતની વિદેશી ચલણ સંપત્તિ (Foreign Currency Assets – FCA) પણ વધીને $578.495 બિલિયન થઈ છે. વિદેશી હૂંડિયામણ અનામતમાં યુએસ ડોલર, પાઉન્ડ, યેન અને યુરો જેવા વૈશ્વિક ચલણો સાથે સોનાનો ભંડાર, ખાસ ડ્રોઇંગ અધિકાર (SDR), અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ની જમા રકમો પણ સમાવેશ થાય છે.
વિદેશી હૂંડિયામણ અનામત એક દેશ માટે આર્થિક સ્થિરતાનું પ્રતિક છે. ભરેલું અનામત દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત છબી આપે છે અને આવશ્યક સમયે આયાત બિલ ચૂકવવા, ચલણના મૂલ્યને સ્થિર રાખવા અને આર્થિક સંકટના સમયે રોકાણકારોમાં વિશ્વાસ જાળવવા મદદરૂપ બને છે. બીજી તરફ, અનામતમાં ઘટાડો થવાથી દેશના અર્થતંત્ર માટે જોખમ ઊભું થઈ શકે છે.
આ ઉપરાંત, ગોલ્ડ રિઝર્વ પણ કેન્દ્રીય બેંક માટે મહત્વનો ભાગ ભજવે છે. વૈશ્વિક ફુગાવા, ચલણની અસ્થિરતા અને ભૂ-રાજકીય તણાવના સમયમાં સોનાનો ભંડાર દેશને નાણાકીય ઝટકાઓ સામે રક્ષણ આપે છે. 2018થી 2022 વચ્ચે ભારતના ગોલ્ડ રિઝર્વમાં લગભગ 36.8% નો વધારો થયો છે, જે દેશના લાંબા ગાળાના નાણાકીય આયોજન અને સંચાલન પર વિશ્વાસ પ્રગટ કરે છે.