AMTS bus complaint WhatsApp number : AMTS બસ સંબંધિત ફરિયાદો માટે વોટ્સએપ સેવા શરૂ: ફોટા અને વીડિયો મોકલી તાત્કાલિક કાર્યવાહી શક્ય
AMTS bus complaint WhatsApp number : અમદાવાદ શહેરમાં દોડતી AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ) બસમાં મુસાફરી કરતી વખતે જો કોઈ તકલીફ કે ફરિયાદનો સામનો કરવો પડે, તો હવે એ અંગે તરત અને સરળ રીતે કાર્યવાહી શક્ય બની છે. AMTS તંત્રે પ્રથમવાર વ્હોટ્સએપ દ્વારા ફરિયાદ કરવાની નવી સુવિધા શરૂ કરી છે, જેમાં મુસાફરો સીધા પોતાનો ફોટો કે વીડિયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત બે વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે:
8511171941 અને 8511165179.
આ નંબર પર મુસાફરો કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકે છે અને સાથેજ ઘટના સ્થળનો ફોટો કે વીડિયો મોકલી વધુ સચોટ માહિતી આપી શકે છે.
હવે ઓવર સ્પીડથી લઈને ગંદકી સુધી તમામ સમસ્યાઓની નોંધો તરત
મુખ્યત્વે AMTS બસો અંગે મુસાફરોને વિવિધ પ્રકારની ફરિયાદો રહેતી હોય છે, જેમ કે:
ડ્રાઈવરોનું ઓવર સ્પીડમાં બસ ચલાવવું,
સ્ટેન્ડ પર યોગ્ય રીતે બસ ન ઉભી રાખવી,
મુસાફરો સાથે ઉદ્ધતાઈથી વર્તવું,
બસની અંદર ગંદકી અથવા ખરાબ અવસ્થા,
અન્ય કોઈપણ તકલીફ કે લાપરવાહી.
હવે આવા કોઈપણ મુદ્દે મુસાફરો સીધો ફોટો કે વીડિયો ઉપર જણાવાયેલા વ્હોટ્સએપ નંબર પર મોકલી આપી શકે છે. ત્યારબાદ તંત્ર સંબંધિત ફરિયાદની તપાસ કરીને જવાબદાર ડ્રાઈવર, કર્મચારી કે કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરશે.
મુસાફરોને સુરક્ષિત અને સારી સેવા આપવાનું AMTSનું ધ્યેય
AMTSના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું કે, દરરોજ આશરે એક લાખથી વધુ મુસાફરો AMTS બસની સેવા લે છે. તેથી તેમની સુવિધા, સુરક્ષા અને સંતોષ જાળવી રાખવો તંત્ર માટે ખૂબ મહત્વનો મુદ્દો છે.
તેઓએ ઉમેર્યું કે, અગાઉ મુસાફરો માટે ફક્ત ફોન દ્વારા ફરિયાદ કરવાની સુવિધા હતી, જેમાં ફરિયાદ નોંધાતા પહેલા અને તપાસ પ્રક્રિયામાં થોડુ મોડુ પણ થતુ હતુ . પરંતુ હવે વ્હોટ્સએપના સહારે સ્થળ પર જ તુરંત ફોટા કે વીડિયો મોકલી શકાશે, જેને આધારે ઝડપી તપાસ અને પગલાં લઈ શકાય છે.
“વિડીયો અને ફોટા મોકલવાના કારણે પુરાવા સાથે ફરિયાદ મજબૂત બની જશે અને કાર્યવાહી વધુ અસરકારક રીતે થશે,” એમ દેસાઈએ ઉમેર્યું.
શું છે નવી વ્હોટ્સએપ સુવિધાના ફાયદા?
સ્થળ પરથી સીધો ફોટો કે વીડિયો મોકલવાની વ્યવસ્થા.
ડ્રાઈવર અથવા બસ સંબંધિત ફરિયાદોનો તાત્કાલિક નિકાલ… .
લાંબી પ્રક્રિયા વગર ઝડપથી ફરિયાદનો નિકાલ.
વધુ મજબૂત પુરાવા સાથે કાર્યવાહી સરળતા.
ટેક્નોલોજીથી મુસાફરીનો અનુભવ સુધારવાનો પ્રયાસ
મુનિ. ટ્રાન્સપોર્ટ વિભાગે આ નવી પહેલ માટે ખાસ ઉદ્દેશ્ય ઠેરવ્યું છે કે બસ મુસાફરી વધુ સુરક્ષિત, આરામદાયક અને સમયસર બને. વ્હોટ્સએપ દ્વારા સક્રીય ફરિયાદ પ્રક્રિયા શરૂ કરીને AMTS તંત્રે ટેક્નોલોજીના સદુપયોગ દ્વારા નાગરિકોની સેવા સુધારવાનો મહત્વનું પગલું ભર્યું છે.
આ નવા પ્રયાસથી મુસાફરોની સમસ્યાઓ ઝડપથી ઉકેલાશે અને ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ગુણવત્તા અને વિશ્વાસ બંનેમાં વધારો થશે, એવી તંત્રને આશા છે.