AMC mega demolition : ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન: સરકારના કડક પગલાં સામે કોંગ્રેસ નિશાન પર, હર્ષ સંઘવીનો આક્ષેપ
AMC mega demolition : અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તાર આજે એક મહત્વપૂર્ણ ઘટનાનો સાક્ષી બન્યો, જ્યાં ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટુ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું,..બિનકાયદેસર વસવાટ કરનારા ઘૂસણખોરોને હટાવવાની સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી… જેમાં સત્તાધિકારીઓ અને પોલીસ તંત્રે સંગઠિત રીતે કામ કર્યું.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હાજરીમાં ડિમોલિશનની પ્રક્રિયા સવારે જ શરૂ થઈ હતી. ચંડોળા વિસ્તારમાં દસકાઓથી વસેલા ઘણા કાચા-પાકા મકાનોને નિર્ધારિત સમયગાળામાં તોડી પાડવામાં આવ્યા. સ્થાનિક પ્રશાસને જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ રહેણાક એકમો અને ધંધાના ઢાંચાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યાં છે.
આ સમગ્ર ઓપરેશન માટે 70થી વધુ જેસીબી મશીનો, 200થી વધુ ટ્રક અને લગભગ 2000થી વધુ પોલીસ કર્મચારીઓ તથા 1500થી વધુ મ્યુનિસિપલ સ્ટાફ જોડાયા હતા. આ કસોટીભર્યા કાર્યને શાંતિપૂર્ણ અને અસરકારક રીતે પાર પાડી શકાય તે માટે પોલીસ બંદોબસ્ત અત્યંત ચુસ્ત રાખવામાં આવ્યો હતો.
અત્યાર સુધી ડિમોલિશનની માત્ર શરૂઆતનો ભાગ જ પૂરો થયો છે અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં વધુ મકાનો પર કાર્યવાહી ચાલુ રહેશે.
હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આક્ષેપ: ઘૂસણખોરો માટે સહાનુભૂતિ બતાવવાનો પ્રયાસ નિષ્ફળ
આ ઘટનાને લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, “ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો કોંગ્રેસનો એજન્ડા નિષ્ફળ ગયો છે. તેઓ હંમેશા ઘૂસણખોરો માટે સહાનુભૂતિ વ્યક્ત કરતા રહ્યા છે અને આ બાબતને રોકવા માટે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી, જેને ન્યાયાલયે ફગાવી દીધી છે.”
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, “કૉંગ્રેસ દ્વારા બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને બચાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, પણ ગુજરાત સરકાર આવા એજન્ડાને કોઈ રીતે ચાલવા દેતી નથી.”
હાઈકોર્ટનો નિર્ણય અને રાજકીય પ્રતિક્રિયાઓ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન અટકાવવાની અરજી ફગાવાતા, સરકારના અભિગમને ન્યાયિક સમર્થન મળ્યું છે. રાજકીય મંચ પર આ નિર્ણયને લઈને તીખા વાકયુદ્ધ શરૂ થયા છે. એક તરફ ભાજપ અને હર્ષ સંઘવી જેવી વ્યક્તિઓ તેનાં અંતર્ગત કાયદેસર કામગીરી કહી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ સરકારની માનવતા વિરુદ્ધના પગલાઓ કહે છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહેલું આ મેગા ડિમોલિશન માત્ર એક સ્થાનિક કાર્યવાહી નથી, પરંતુ આ ગુજરાતમાં આંતરિક સુરક્ષા અને વિવાદાસ્પદ વસાહતો સામેની રાજકીય લડતનું પ્રતિબિંબ છે. સરકારના આ પગલાંનું હવે આગામી રાજકીય તથા સામાજિક પરિણામ કેવું જોવા મળે છે, તે મહત્વનું રહેશે.