Junagadh demolition drive: જૂનાગઢ ઉપરકોટ વિસ્તારમાં મોટું ડિમોલિશન ઓપરેશન: 50 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
Junagadh demolition drive: હવે જૂનાગઢમાં પણ તંત્રે વિશાળ પાયે તોડફોડ ઝુંબેશ શરૂ કરી છે. આજે વહેલી સવારે જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે સાથે મળી ઉપરકોટ કિલ્લાના અતિ નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે ઐતિહાસિક કાર્યવાહી શરૂ કરી છે.
₹50 કરોડની જમીન કરાઈ દબાણમુક્ત
તંત્રએ 59 ગેરકાયદેસર મકાનો તોડી પાડીને લગભગ 16,000 ચોરસ મીટર સરકારી જમીન પાછી મેળવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે ₹50 કરોડ જેટલી આંકવામાં આવી છે. કામગીરી માટે 10 JCB, 10 ટ્રેક્ટરો અને અન્ય યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કામગીરીમાં કુલ 100થી વધુ મકાનોને નાશ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી
આ ઝુંબેશ દરમિયાન તંત્રએ આશરે આઠ જેટલા એવા મકાનો પણ તોડી પાડ્યા છે જ્યાં રહેતા લોકો વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે કેટલાક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગંભીર ગુનાઓમાં સામેલ છે, જેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.
“ડરાવનુ સપનું બની ગયું છે જીવન”
ડિમોલિશનની પ્રક્રિયા દરમ્યાન અનેક રહેવાસીઓના ઘર તૂટી ગયા હતા. લોકોના દુ:ખ અને ગુસ્સાના દૃશ્યો જોવા મળ્યા. ઝુબેદાબેન વસેંગાએ આક્રોશભરી લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે, “અમને તાત્કાલિક નોટિસ આપીને ઘરો ખાલી કરાવાયા. બાળકો ભણવા જાય છે, હવે ભવિષ્ય અંધકારમય છે. અમારું બધું છીનવાઈ ગયું છે.”
નઝમાબેન પઠાણે દુ:ખ સાથે કહ્યું, “પાંચ દિવસ પહેલા નોટિસ આપી હતી. અમે મજૂરી કરીએ છીએ. હવે તો ભાડે રહેવા માટે પણ જગ્યા નથી મળતી.” જ્યારે રુકસાના બેન થાયમેંની આંખોમાં આક્રોશ ઝળી પડ્યો: “મારે નાની દીકરીઓ છે. સરકાર બેટી બચાવાની વાત કરે છે, પણ જીવવાનો અધિકાર પણ છીનવી લે છે.”
400થી વધુ સ્ટાફ તહેનાત, કડક બંદોબસ્ત
મહત્વપૂર્ણ છે કે આ કામગીરીમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ ત્રણ DySP, 9 PI, 26 PSI સહિત 260થી વધુ પોલીસ જવાનો સહિત કુલ 400થી વધુ સ્ટાફ તહેનાત કર્યો છે. ડ્રોન કેમેરા, વોકી-ટોકી, દૂરબીન જેવા ઉપકરણો દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. PGVCL, આરોગ્ય શાખા અને પાણી પુરવઠા વિભાગ પણ સ્થળ પર હાજર રહ્યા.
“મોટા બિલ્ડરો પર બુલડોઝર કેમ નથી ચાલતા?”
સ્થાનિક ઇદરીશભાઈ પટ્ટીએ કડક શબ્દોમાં કહ્યું, “અહીં કાળી મજૂરી કરીને જીવતા ગરીબો રહે છે. તંત્રને મોટા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો નહીં દેખાય, માત્ર ગરીબોની ઝૂંપડીઓ જ તોડી પાડે છે.”
કલેક્ટર: “આ કાયદાકીય અને વિચારેલી કામગીરી છે”
દિલ્લા કલેક્ટર અનિલ રાણાએ સ્પષ્ટ કહ્યું કે, “આ જમીન સરકારના સિટી સર્વે નંબર 1484 હેઠળની છે. દબાણકારોને નોટિસ આપી, દસ્તાવેજ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ એ દસ્તાવેજો રજૂ ન થયા એટલે જ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માત્ર જમીન મુક્ત કરવાની ઝુંબેશ નથી, પણ કાયદાનું રાજ સ્થાપિત કરવાનો પ્રયાસ છે.”