Banaskantha unseasonal rain: બનાસકાંઠામાં ભર ઉનાળે કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોના પાકને ભારે નુકસાન, માર્ગો જળમગ્ન અને લગ્ન પ્રસંગોમાં ખલેલ
Banaskantha unseasonal rain: ઉનાળાની વચ્ચે બનાસકાંઠામાં આજે અસામાન્ય વાતાવરણ જોવા મળ્યું. અચાનક પવન સાથે વીજળીના કડાકા અને કરા સાથે વરસેલા ધોધમાર કમોસમી વરસાદે જિલ્લાની શાંતિ ભંગ કરી નાખી. પાલનપુર, અંબાજી, ધાનેરા, અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે – રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, ખેડૂતોના ઉભા પાક જમીનદોસ્ત બન્યા અને કેટલાક સ્થળોએ તો લગ્નના મંડપ પણ પવન ઉડાવી ગયો.
વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
અંતરિયાળથી લઈ મુખ્ય શહેરોના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાલનપુરથી વિરપુર પાટીયા સુધીના હાઈવે પર પાણીના ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડ્યો. અનેક વિસ્તારોમાં નાળાઓ ભરાઈ જતા પાણી ઘરો અને દુકાનો સુધી પહોંચી ગયાં. ગણેશપુરા વિસ્તારમાં તો એક ટ્રક પાણીથી ભરાયેલા ખાડામાં પડી ગઈ – જેને લોકોએ જાતે ખેંચીને બહાર કાઢવાની દોડધામ કરી.
ખેડૂતોની આંખે આંસુ: મકાઈ-બાજરી જમીનદોસ્ત, સક્કર ટેટી સડી ગઈ
અમીરગઢ, દાંતા અને ઈકબાલગઢ પંથકમાં મકાઈ, બાજરી, જુવાર, મગફળી અને ખાસ કરીને ૧૮ વિઘામાં ખેંચાયેલ સક્કર ટેટી ના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલાક ખેડૂતોએ અંદાજિત 8 થી 10 લાખ સુધીની નુકસાનીની વાત કરી છે. પાણીના ભારથી જમીનમાં ઉભેલા પાકો વળી ગયા કે પટકાયા અને સજીવ પાકના બદલે હવે વળતર માટે સરકાર સામે રજૂઆત કરવાની ફરજ પડી છે.
માર્કેટ યાર્ડ અને પશુપાલકોને પણ ધબકારો
દાંતીવાડાના પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં મુકેલ રાયડો અને એરંડાનો પાક પલળી ગયો. ખેડૂતો મહેનત કરીને લાવેલી ઉપજ વરસાદમાં બગડી ગઈ અને સત્તાધીશો તરફ આળસનો આક્ષેપ થયો. બીજી તરફ, વડગામના નાનોસણા સહિત કેટલાક ગામોમાં પશુઓ માટે બનાવેલા શેડના પતરા ઉડી ગયા, જેના કારણે પશુપાલકોને ફરીથી બાંધવાની ફરજ પડી.
લગ્નમાં પણ વરસાદે “મંડપ ઉડાવ્યા”
આ કમોસમી વરસાદના કારણે ઘણા પરિવારો માટે ખુશીના પળો પણ મુશ્કેલીભરા બની ગયા. ઘણા વિસ્તારોમાં લગ્ન પ્રસંગો માટે બંધાયેલા મંડપ પવનમાં ઉડી ગયા કે ધરાશાયી થઈ ગયા. અચાનક વરસાદ શરૂ થતાં લોકો ઝબકા ખાઈ ગયા અને આનંદના અવસરો ભંગ થઈ ગયા.
ખેડૂતોએ તરત સર્વેની અને વળતરની માંગ કરી
હાજર પરિસ્થિતિએ ખેડૂતોને તાકીદે સરકાર તરફથી સહાયની અપેક્ષા જાગ્રત કરી છે. ઘણા વિસ્તારમાં ખેડૂતોની ટોળીઓએ તાત્કાલિક સર્વે અને વળતરની માંગ સાથે સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી છે.હવે જોવાનું એટલું જ છે કે સરકાર કેટલો સમય લેશે સહાય આપવા માટે.