Gujarat Board Results : 99.39 PR સાથે ક્રિષ્નાની કમાલ – હવે ટાર્ગેટ UPSC
Gujarat Board Results : રાજકોટથી ઉદ્ભવેલી એક પ્રેરણાદાયી કહાની દેશમાં આશાનું ઉજાસ ફેલાવી રહી છે. ક્રિષ્ના મંડાણી નામની એક યુવતીએ એવા સમયમાં 99.39 PR સાથે ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે, માતાના ગુમાવ્યા બાદ પણ પિતા અને બહેનના સહારાથી ક્રિષ્નાએ આવી સિદ્ધિ હાંસલ કરી છે, અને હવે તેનું લક્ષ્ય છે UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરવાની.
ક્રિષ્નાના પિતા શ્રમજીવી કડિયા છે. જ્યારે ક્રિષ્ના ફક્ત એક વર્ષની હતી, ત્યારે તેની માતા દક્ષાબેનને પેટમાં ગાંઠ થવાને કારણે અવસાન થઈ ગયું હતું. ત્યારપછી પિતાએ જ તેનો ઉછેર કર્યો…. જીવનના દરેક પગલે તેમણે દીકરીને ‘મા’ની ખોટ અનુભવવા દીધી નહિ.
ઘરકામ અને અભ્યાસનો સરસ સંયમ
ક્રિષ્ના હાલ પોતાના પિતા અને સાવકી માતા સાથે રહે છે. તે પરીક્ષા દરમિયાન નમ્રતાથી પોતાનું રુટિન બનાવીને અભ્યાસ કરતી અને સાથે ઘરકામ પણ નિભાવતી. “હું વિઝન શાળા, રાજકોટમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને આજે જે પરિણામ આવ્યું તે જોઈને બહુ ખુશ છું,” એમ તેણીએ કહ્યું.
તેણે ઉમેર્યું કે, “મારા પપ્પાએ મારી દરેક જરૂરિયાત પૂરી કરી છે અને ક્યારેય મને ખોટ વર્તાવા દીધી નથી. આજે હું જે છું તેમાં બહેનનો પણ મોટો ફાળો છે. હવે હું UPSC માટે કડી મહેનત કરી રહી છું અને પપ્પાનો ગર્વ બનીને દેશસેવા માટે આગળ વધવા માગું છું.”
ક્રિષ્નાની કહાની એ સાબિત કરે છે કે મનમાં જો દૃઢ સંકલ્પ હોય અને પરિવારનો સાથ હોય તો કોઈપણ મુશ્કેલી મોટો અવરોધ બની શકતી નથી.