Mallikarjun Kharge પહેલગામ હુમલાને લઈ ખડગેનો આક્ષેપ: “પીએમ મોદીને ત્રણ દિવસ પહેલાં મળ્યો હતો ગુપ્તચર અહેવાલ”
Mallikarjun Kharge કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની ભૂલ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે. ખડગેએ દાવો કર્યો કે પીએમ મોદીને 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના ત્રણ દિવસ અગાઉ ગુપ્તચર એજન્સી દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને પીએમએ તેમની 19 એપ્રિલની જમ્મુ-કાશ્મીર મુલાકાત રદ કરી હતી. આ હુમલામાં 26 નિર્દોષ લોકો, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા, નિર્દયતાથી માર્યા ગયા હતા.
રાંચીમાં આયોજિત કોંગ્રેસની ‘બંધારણ બચાવો રેલી’માં સંબોધન કરતા ખડગેએ આરોપ લગાવ્યો કે જો વડાપ્રધાનને પૂર્વ સૂચના મળી હતી, તો પછી લોકસુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા શા માટે ન કરવામાં આવી? ખડગેએ જણાવ્યું કે સરકારે પહેલગામ હુમલાને ગુપ્તચર નિષ્ફળતા તરીકે સ્વીકારી છે, તો પછી સરકારે આ નિર્દોષોના મૃત્યુની જવાબદારી પણ લેવી જોઈએ.
ખડગેએ કહ્યું કે, “મને મળેલી માહિતી અનુસાર વડાપ્રધાનને 19 એપ્રિલે કાશ્મીર જવાનું હતું પરંતુ ગુપ્તચર માહિતીના આધારે પ્રવાસ રદ કરવામાં આવ્યો. જો વડાપ્રધાન માટે સ્થિતિ જોખમભરી હતી, તો ત્યાંના પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા માટે પગલાં કેમ લેવામાં આવ્યા નહીં?”
ખડગેએ કહ્યું કે કોંગ્રેસ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે સરકારને સંપૂર્ણ સમર્થન આપશે, પરંતુ પ્રશ્ન છે કે જો અહેવાલ પહેલા મળી ગયો હતો તો સામાન્ય નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થા શા માટે ન હતી.
મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ 19 એપ્રિલે કાશ્મીર જવાનું યોજના બનાવી હતી જ્યાં તેઓ ચેનાબ પુલનું ઉદ્ઘાટન અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. તત્કાલિન કારણોસર, આ કાર્યક્રમો રદ કર્યા હતા, જેનો કારણ હવામાનની ખરાબ સ્થિતિ બતાવવામાં આવી— ખડગેએ દાવો કર્યો કે સાચું કારણ સુરક્ષાની ચિંતા હતી.
આ આરોપો પછી દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. જો ખડગેના દાવાઓમાં સચ્ચાઈ છે, તો સરકારે આતંકવાદ સામે લડવા ઉપરાંત નાગરિકોની સુરક્ષા માટે પણ જવાબદારીના ઉંચા ધોરણ દાખવવા પડશે.