India Pakistan Tensions પાકિસ્તાનને વધુ એક ઝટકો: ભારતે બગલીહાર અને સલાલ ડેમના દરવાજા કર્યા બંધ
India Pakistan Tensions પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું તણાવ સતત ઊંડું બનતું જાય છે. ભારત સરકારે હવે સિંધુ જળ સંધિ બાદ વધુ એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ચિનાબ નદી પર આવેલા બગલીહાર અને સલાલ ડેમના તમામ દરવાજા હવે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે પાકિસ્તાન તરફ જતું પાણી રોકાઈ ગયું છે.
આ પગલાથી ચિનાબ નદીનું વહેતું પાણી હવે માત્ર 2 ફૂટ જેટલું રહી ગયું છે. પાકિસ્તાન માટે આ સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે, ખાસ કરીને કૃષિ અને પીવાના પાણી માટે નિર્ભર રહેલા વિસ્તારો માટે.
ભારત તરફથી મળતી માહિતી પ્રમાણે, ડેમમાંથી હવે માત્ર વીજ ઉત્પાદન માટે જરૂરી હોય એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન ચલાવવી જરૂરી હોવાથી નિયંત્રિત પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાન તરફથી આ મુદ્દે તીવ્ર નારાજગી વ્યકત કરવામાં આવી રહી છે.
આ પૂર્વે, 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થયું હતું, જેના મુજબ છ નદીઓમાંના ત્રણના અધિકાર પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા અને ત્રણ નદીઓ ભારત માટે આરક્ષિત રહી હતી. જોકે, હાલના તણાવના વાતાવરણમાં ભારતે આ કરારને સ્થગિત કરી દેવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયનો સીધો અસર પાકિસ્તાનના પાણીના હક પર થયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલના હિંસાત્મક હુમલાઓ અને પાકિસ્તાનના આતંકી સંગઠનોના સપોર્ટને કારણે ભારતે આ નિર્ણય લેવો પડ્યો છે.
આ પગલાંથી બંને દેશોની વચ્ચે તણાવ વધુ વધી શકે છે, પરંતુ ભારત તરફથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય હિત પહેલા આવે છે. આ નિર્ણય હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે અને અનેક દેશો અને સંગઠનો દ્વારા ભારત-પાકિસ્તાન તણાવ પર નજર રાખવામાં આવી રહી છે.