Valsad વલસાડ હાઈવે પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના નિર્માણમાં લાલિયાવાડી, એક જગ્યાએ મેટલ તો બીજી જગ્યાએ ફાઈબરની લાઈન, તપાસની માંગ
Valsad અમદાવાદથી મુંબઈ સુધી હાઈવે નંબર-48 પર રસ્તા નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રોડની સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામમાં અનેક પ્રકારની ફરિયાદો ઉઠી રહી છે. “સત્ય ડે”ની ટીમ દ્વારા જ્યારે સમગ્ર કામગરીનું નિરીક્ષણ કરાયું તો એક નહીં પણ અનેક પ્રકારના છીંડા જોવા મળ્યા છે તેમજ ગુણવત્તાના લીરેલીરા ઉડાવી દઈ નીતિ-નિયમોને અભરાઈએ મૂકી દેવાનો ઘટસ્ફોટ થયો છે.
સ્થળ પર જાત મેળવેલી માહિતી મુજબ સુરતથી વાપી સુધીનો રોડનો કોન્ટ્રાક્ટ સ્કાયલાર્ક નામની કંપનીને આપવામાં આવ્યો છે. જ્યારે સ્ટોર્મ વોટર ડ્રેનેજનો કોન્ટ્રાક્ટ ધરમપુર ચોકડી પાસે ઓફિસ ધરાવતી એલએન માલવિયા નામની કંપનીને આપવામાં આવ્યો છે. હવે મોટી મોકાણ શરુ થાય છે કે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામમાં એક જ્ગાએ મેટલ નાંખવામાં આવી રહ્યું છે તો બીજી જગ્યાએ ફાઈબરના ગ્લાસ નાંખવામાં આવ્યા છે.
માહિતી મુજબ વલસાડ સુગર ફેક્ટરી પાસે હાઈવે નજીક
વરસાદી નિકાલ માટે ગટરની લાઈન બની રહી છે. જેમાં જીએફઆરપી રોડ્ઝ વાપરવામાં આવી રહ્યા છે, જીએફઆરપી રોડ્ઝને ગ્લાસ ફાઈબરના રોડ્ઝ પણ કહેવામાં આવે છે. હવે આ જ હાઈવે પર ડૂંગરી અને રોલા ગામ પાસે મેટલના રોડ બનાવવામાં આવી રહ્યા છે. તો બીજી જગ્યાએ મેટલના રોડ્ઝ વાપરવામાં આવી રહ્યા છે. મેટલના રોડ્ઝની ગુણવત્તા એટલી નિમ્ન અને તકલાદી છે કે રોડ્ઝને જરાક વાળતાં જ તૂટી જાય છે. આ બન્ને સાઈટ વચ્ચે પાચથી દસ કિમીના અંતરે અલગ અલગ ધારા-ધોરણો અપનાવીને કંપની દ્વારા મનસ્વીપણું છતું કરી ગટર લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે.
વિગતો મુજબ સ્કાયલાર્કને 310 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
તો પ્રશ્ન થાય છે કે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે આવી રીતે રોડ બનાવવા માટે અલગ અલગ પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા કે શું? એકનો ખોળ અને બીજાને ગોળ જેવી કામગીરીનો સામે લોકો સવાલ પૂછી રહ્યા છે અને ખાસ કરીને ગુણવત્તાને લઈ પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
પ્રશ્ન થાય છે કે ઈન્ડિયન રોડ અને હાઈવે ઓથોરિટીના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ?
આ ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની દ્વારા આવી પ્રકારે ચલાવવામાં આવી રહેલી લાલિયાવાડી માટે જવાબદાર કોણ? આ અંગે હાઈવે ઓથોરિટી તપાસ કરશે તો અનેક પ્રકારની લાલિયાવાડી બહાર આવી શકે એમ છે.