AQIS Issued Statement ઓપરેશન સિંદૂર પછી અલ કાયદાની ધમકી: “અત્યાચારનો બદલો લઈશું” – AQISનું નિવેદન બહાર આવ્યું
AQIS Issued Statement 6 મે, 2025ના રોજ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલ અભૂતપૂર્વ લશ્કરી કાર્યવાહી “ઓપરેશન સિંદૂર” બાદ આતંકવાદી સંગઠન અલ-કાયદાની ભારતીય ઉપખંડ શાખા (AQIS) ને લગતા એક નિવેદનને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારતે આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની અંદર ઘુસીને આતંકવાદી ઠેકાણાઓ પર હમલો કર્યો હતો. વાયુસેના અને જમીન પરથી હુમલાના આધારે ભારતીય સેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે.
આ હુમલામાં ભારતે બ્રહ્મોસ મિસાઇલ, સ્કેલ્પ મિસાઇલ અને ઇઝરાયલથી મળેલા અદ્યતન ડ્રોન સહિત અનેક હાઇટેક યુદ્ધ સાધનોનો ઉપયોગ કર્યો હતો. 1971ના યુદ્ધ પછી પહેલીવાર ભારતે પાકિસ્તાનની અંદર આવી સીધી લશ્કરી કાર્યવાહી કરી હતી. રાત્રિના 1 વાગ્યે શરૂ થયેલું ઓપરેશન માત્ર 30 મિનિટમાં પૂર્ણ થયું હતું, જેમાં પાકિસ્તાનની સીમામાં આવેલા છથી વધુ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી બાદ AQIS દ્વારા “અસ-સાહબ મીડિયા” મારફતે પ્રકાશિત એક નિવેદનમાં ભારતને ખુલ્લી ધમકી આપી છે. નિવેદનમાં કહેલું છે કે, “ભારતની ભગવા સરકારે મસ્જિદો અને વસાહતોને નિશાન બનાવીને અનેક નિર્દોષ મુસ્લિમોને શહીદ કર્યા છે. અમે અલ્લાહના છીએ અને તેના તરફ પાછા ફરીશું. આ ભારત સામે જેહાદ છે.”
અલ કાયદાના જણાવ્યા અનુસાર, ભારતે કાશ્મીરમાં અને દેશમાં અન્યત્ર લાંબા સમયથી મુસ્લિમો પર અત્યાચાર કર્યા છે અને હવે એનો બદલો લેવામાં આવશે. AQIS એ ઉપખંડના મુસ્લિમોને જેહાદમાં જોડાવાની અપીલ કરી છે.
આ નિવેદન ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે એલર્ટનું સંકેત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારની ધમકી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભારત સરકાર હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા તથા આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લઈ રહી છે.
નોંધ: અલ કાયદા (Al-Qaeda) એ ભારત સહિત સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા દેશો દ્વારા આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.