Operation Sindoor: સરહદી વિસ્તારોની બેંકો સજ્જ, સાયબર સુરક્ષા અને સાવચેતી વધારાઈ
Operation Sindoor ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના કારણે દેશની બેંકો પણ હાઈ અલર્ટ પર આવી ગઈ છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ થયા બાદ સરહદ નજીક આવેલી બેંક શાખાઓમાં ફિઝિકલ સુરક્ષા વધારવામાં આવી છે, તેમજ સાયબર સુરક્ષા મિકેનિઝમમાં પણ નોંધપાત્ર કસોટી કરાઈ છે.
પંજાબ નેશનલ બેંકના એમડી અને સીઈઓ અશોક ચંદ્રાએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના સંભવિત સાયબર હુમલાઓ માટે તૈયાર છીએ. અમારી બેંકે 24×7 કાર્યરત એક વોર રૂમ સ્થાપિત કર્યો છે, જે દરેક પ્રકારના સાયબર ધમકી સામે ઝડપી કાર્યવાહી કરે છે.” તેમણે ઉમેર્યું કે સરહદી વિસ્તારોમાં આવેલા શાખાઓમાં તાકીદે સુરક્ષા વધારવામાં આવી છે અને કર્મચારીઓની સલામતી માટે ખાસ વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ છે.
અન્ય સરકારી બેંકના અધિકારીએ જણાવ્યું કે, “ATM મશીનોને પૂરતી રકમથી ભરવામાં આવી છે જેથી સ્થાનિક લોકોને કેશની અછતનો સામનો ન કરવો પડે. સાથે જ અમે તમામ ડિજિટલ ચેનલો પર મોનિટરિંગ વધારે છે.”
આ ચિંતાઓ માત્ર બેંકિંગ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ પણ સાવચેતીના ભાગરૂપે વિદેશી IP માટે પોતાની વેબસાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. જોકે વિદેશી રોકાણકારો તેમનાં બ્રોકર મારફતે વેપાર ચાલુ રાખી શકે છે.
આ બધું પહેલાંગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આયોજિત ભારતીય સૈન્યના પિન-પોઇન્ટ હુમલાઓ પછી થઈ રહ્યું છે. આ હુમલાઓમાં અનેક આતંકવાદી ઠેકાણા નષ્ટ કરાયા હતા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે સૈન્ય અને નાગરિક સુરક્ષા બંને ક્ષેત્રોમાં સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધશે.