Operation Sindoor : ગુજરાત સરકાર એલર્ટ મોડમાં: આરોગ્ય વિભાગે તમામ જિલ્લા હોસ્પિટલોને આપ્યા અગત્યના નિર્દેશન
Operation Sindoor : ભારતીય સેનાએ તાજેતરમાં “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ એરસ્ટ્રાઈક કર્યો છે. આ કાર્યવાહી 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબરૂપે કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પગલાંના પરિણામે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધારે તીવ્ર બન્યો છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યમાં પણ વહીવટી તંત્ર સક્રિય બની ગયું છે. પહેલા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી હતી. હવે આરોગ્ય વિભાગે પણ તકેદારીના ભાગરૂપે એક્શન મોડમાં આવીને તમામ સરકારી જિલ્લા હોસ્પિટલોને જરૂરી સુચનાઓ પાઠવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપેલ મુખ્ય સૂચનાઓ:
વીજળી ખરાબ થઈ જાય તેવી સ્થિતિમાં બીજાં વિકલ્પો માટે આયોજન કરવું.
બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે તૈયારી રાખવી.
જીવનરક્ષક દવાઓ અને જરૂરી તબીબી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવો.
આવશ્યક હોય ત્યારે ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે સહયોગ સ્થાપિત કરવાનો.
જિલ્લાવાર આરોગ્ય વિભાગોનું સ્ટાફ સજ્જ અને સતર્ક રહે તે માટે માર્ગદર્શિકા અપાઈ છે.
કડક સુરક્ષા વ્યવસ્થા પણ લાગુ
ગુજરાતના સરહદી વિસ્તારો જેમ કે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવામાં આવી છે. તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને રજા પર રહેલા સ્ટાફને તરત ફરજ પર હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર તરફથી કરવામાં આવતી આ તૈયારી એ દર્શાવે છે કે કેન્દ્રની કાર્યવાહીને ધ્યાને લેતા, ગુજરાત સરકાર કોઈ પણ સંભવિત પરિસ્થિતિ માટે પૂર્વ તૈયારીઓ રાખી રહી છે.