Indian Economy: વિશ્વ મંદી તરફ, પણ ભારત તેજી તરફ: એક અહેવાલમાં ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી સંકેત
Indian Economy કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સના તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે જ્યાં અમેરિકા અને ચીન જેવા વિશ્વના મુખ્ય અર્થતંત્રો મંદીનો સામનો કરી શકે છે, ત્યાં ભારતનું અર્થતંત્ર મજબૂતી સાથે આગળ વધે તેવી શક્યતા છે. યુએસ અર્થતંત્રમાં 90 બેસિસ પોઈન્ટ અને ચીનમાં 60 બેસિસ પોઈન્ટનો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે ભારત ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ટકી રહેશે.
ભારતના અર્થતંત્રની મજબૂતી પાછળનું મુખ્ય કારણ તેનું મજબૂત ઉત્પાદન ક્ષેત્ર છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) સતત સુધરી રહ્યો છે, જ્યારે દેશના મેક્રોઇકોનોમિક પરિપ્રેક્ષ્યમાં પણ સકારાત્મકતા જોવા મળી રહી છે. સરકારના ખર્ચમાં સંયમ અને ઘટતું દેવું અર્થતંત્રને વધુ સ્થિર બનાવી રહ્યા છે.
સાથે સાથે, આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહીથી કૃષિ ક્ષેત્રમાં માંગ વધવાની અપેક્ષા છે, જેના લીધે ફુગાવા પર નિયંત્રણ રહેશે અને ગ્રામિણ અર્થતંત્ર મજબૂત થશે.
શેરબજારની દ્રષ્ટિએ, ચોથા તિમાહી પરિણામો ભલે આશાનુરૂપ ન રહ્યા હોય અને પાકિસ્તાન સાથેનો તણાવ યથાવત હોય, ભારતીય શેરબજારએ તાજેતરમાં તેજી સાથે વાપસી કરી છે. સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં વિશ્વાસ યથાવત છે. જોકે, રિપોર્ટ ચેતવે છે કે ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓના કારણે નજીકના ભવિષ્યમાં બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા છે.