Operation Sindoor: ઓપરેશન સિંદૂરના પગલે 24 એરપોર્ટ બંધ, મુસાફરો માટે એલર્ટ, સુરક્ષા વધુ કડક
Operation Sindoor: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના પગલે ભારત સરકારે દેશભરના 24 મહત્વના એરપોર્ટને 10 મે સુધી માટે તાત્કાલિક અસરથી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય મુસાફરોની સુરક્ષા અને સંભવિત ખતરો ટાળવા માટે લેવામાં આવ્યો છે. આ એરપોર્ટોમાં લુધિયાણા, ભટિંડા, ચંદીગઢ, શ્રીનગર, પઠાણકોટ, જેસલમેર અને અન્ય સમાવેશ થાય છે.
ફ્લાઇટ રદ કરાઈ:
સરકારી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કુલ 430 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે દેશમાં કુલ ઉડાન સંખ્યાનો અંદાજે 3 ટકા હિસ્સો છે. Flightradar24 અનુસાર, ભારત અને પાકિસ્તાનના પશ્ચિમી હવાઈ માર્ગમાં નાગરિક ઉડાન ઘટી ગઈ છે અને તે ફ્લાઇટ્સ માટે લગભગ બંધ સમાન બની ગઈ છે.
બંદ રહેલા એરપોર્ટની યાદી:
પંજાબ અને ઉત્તર ભારત: લુધિયાણા, ભટિંડા, પટિયાલા, અમૃતસર, પઠાણકોટ, શ્રીનગર, ચંદીગઢ, શિમલા, કાંગડા-ગગ્ગલ, હલવારા
પશ્ચિમ ભારત: જેસલમેર, જોધપુર, બિકાનેર, કિશનગઢ, મુન્દ્રા, જામનગર, હિરાસર, પોરબંદર, ભુજ, કેન્ડલા
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ: લેહ, જમ્મુ
હિમાચલ પ્રદેશ: ભુંતર
સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ:
આ એરપોર્ટ પર સેનાએ સુરક્ષા સંભાળી લીધી છે અને તમામ મુસાફરો માટે બે થી ત્રણ સ્તરની તપાસ ફરજિયાત કરાઈ છે. કાર્યરત એરપોર્ટ પર શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
મુસાફરો માટે સૂચના:
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના યાત્રા કાર્યક્રમ પહેલા એરલાઇન અથવા અધિકૃત પ્લેટફોર્મ પરથી ફ્લાઇટ સ્ટેટસ ચકાસે અને જરૂરી સુરક્ષા નિયમોનું પાલન કરે