75 new ambulances deployed Gujarat : ગુજરાતના સરહદી વિસ્તારોમાં તાત્કાલિક પગલાં: રાજ્યમાં 75 નવી એમ્બ્યુલન્સ ફાળવાઈ
75 new ambulances deployed Gujarat : ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકારે સરહદી વિસ્તારોમાં આરોગ્યસેવા સુદૃઢ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. કચ્છ, જામનગર અને દરિયાઈ સીમાના અન્ય વિસ્તારોમાં કુલ 75 નવી એમ્બ્યુલન્સની તૈનાતી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છમાં 20, બનાસકાંઠા અને ગીર સોમનાથમાં પ્રતિજિલ્લા 15-15, દ્વારકા, પોરબંદર, મોરબી અને પાટણમાં 5-5 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. આ નિર્ણય યુદ્ધની સ્થિતિને લઈને જાહેર થયેલી તૈયારીનો એક ભાગ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે કે 108 સેવા હેઠળની કેટલીક જૂની એમ્બ્યુલન્સની મિયાદ પૂરી થઈ ગઈ હોવાથી તેના રિપ્લેસમેન્ટ માટે રાજ્યભરમાં કુલ 200 નવી એમ્બ્યુલન્સ વધારવાની યોજના છે.
હાલમાં રાજ્યના વિવિધ જિલ્લામાં એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા મુજબ આંકડા છે: બનાસકાંઠા – 31, દ્વારકા – 14, ગીર સોમનાથ – 15, જામનગર – 21, કચ્છ – 41, પોરબંદર – 10, રાજકોટ – 43, અમદાવાદ – 120, મોરબી – 12 અને પાટણ – 16.
હાઈ એલર્ટ અને વીજ વિહોણા વિસ્તાર
યુદ્ધની પરિસ્થિતિને કારણે રાજ્યના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારો તેમજ દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે સક્રિય છે.
ગુરુવારની રાત્રે કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિત અનેક વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો. બનાસકાંઠાના સુઈગામ અને વાવના કુલ 24 ગામો અને પાટણના સાંતલપુરના 8 ગામ પણ અંધારપટમાં આવ્યા હતા. પવન ન હોવાના કારણે સ્થાનિકોને ગરમી અને અનિશ્ચિતતામાં રાત પસાર કરવી પડી.
કચ્છમાંથી 500 બોટ પરત બોલાવવામાં આવી
દરિયાઈ સીમાઓ પર પણ પગલાં લેવામાં આવ્યા છે. યુદ્ધની આશંકાને પગલે કચ્છના દરિયામાંથી લગભગ 500 બોટને તાત્કાલિક પાછી બોલાવવામાં આવી છે અને માછીમારી પર અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ બધી તૈયારીઓ ભારત-પાકિસ્તાન યુદ્ધના સંજોગોમાં ગુજરાતને સંભવિત જોખમોથી બચાવવા માટેની તાત્કાલિક કામગીરીનો ભાગ છે. રાજ્ય સરકારે પણ વિવિધ વિભાગોને તૈનાત પર રાખી આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કર્યો છે.