Somnath Dwarka temple security increased : સુરક્ષા સઘન: તણાવની સ્થિતિએ સોમનાથ-દ્વારકાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત
Somnath Dwarka temple security increased : ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવના પરિણામે સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક કલાકોમાં ભારતની સેનાએ ‘ઓપરેશન સિંદુર’ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે પાકિસ્તાને પણ ભારતની ધરતી પર હુમલો કર્યો હોવાનું નોંધાયું છે. આ પરિસ્થિતિને પગલે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળો – સોમનાથ અને દ્વારકા મંદિરોની સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર કડકાઈ લાવવામાં આવી છે.
સોમનાથ મંદિર પરિસરમાં સઘન ચેકિંગ
ગીર-સોમનાથમાં આવેલા જગવિખ્યાત સોમનાથ મંદિરે સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક પ્રવેશદ્વાર અને પ્રસ્થાન બિંદુ પર સુરક્ષા જવાનોની વધુ તૈનાતી કરવામાં આવી છે. મંદિરના દરવાજા, પાર્કિંગ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલી રહ્યું છે. સાથે જ દરેક ક્રિયાકલાપ પર CCTV કેમેરાની મદદથી 24×7 મોનિટરિંગ હાથ ધરાયું છે.
દ્વારકાધીશ મંદિરની આસપાસ સાવચેતી વધુ કડક
દ્વારકામાં આવેલ પાવન દ્વારકાધીશ મંદિરની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે. અહીં શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મંદિર તરફ આવનારા વાહનોનું ચેકિંગ અત્યંત સઘન કરાયું છે અને દરિયાઈ માર્ગે પણ કોસ્ટગાર્ડ અલર્ટ પર છે. પોલીસ જવાનો મોટી સંખ્યામાં તૈનાત છે અને યાત્રાળુઓને ઓળખપત્ર સાથે લઈને આવવા તથા સુરક્ષા કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાતના સાત એરપોર્ટ્સ પર ફ્લાઇટ કામગીરી રોકાઈ
માર્ગ અને હવાઈયાત ક્ષેત્રે પણ ગંભીર પગલાં લેવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા દેશના કુલ 24 એરપોર્ટ્સ માટે એરમેન (NOTAM) જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના જામનગર, હિરાસર (રાજકોટ), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યા છે.
આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ સીમાની સુરક્ષા જાળવવી અને ભારતની સશસ્ત્ર દળોની ઓપરેશનલ તૈયારી માટે માર્ગ ખાલી કરવો છે.