India food supply sufficient: દેશમાં અનાજ, ખાંડ અને ખાદ્ય તેલનો ભરપૂર જથ્થો, લોકોમાં અછતની અફવા સામે કેન્દ્ર સરકારનો સ્પષ્ટ સંદેશ
India food supply sufficient: કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ જનતાને આશ્વસ્ત કરતાં જણાવ્યું છે કે દેશમાં કોઈ પણ આવશ્યક ચીજવસ્તુઓની અછત નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચોખા, ઘઉં, ચણા, તુવેર, મસૂર અને મગ જેવા તમામ ખાદ્યપદાર્થોનો પૂરતો અને જરૂરિયાત કરતાં અનેક ગણો વધુ જથ્થો દેશમાં ઉપલબ્ધ છે.
પ્રહલાદ જોશીએ લોકોને અફવાઓમાં ન આવવાની સલાહ આપતાં કહ્યું કે ખોટા સમાચારોના આધારે પેનિક ન ફેલાવવી જોઈએ અને લોકો અનાજ ખરીદવા બજારમાં દોડી ન જાય. તેમણે વર્તમાન સ્થિતિ અંગે ટ્વીટ કરીને લોકોને ચેતવણી પણ આપી છે કે જો કોઈ પણ વેપારી સંગ્રહખોરીમાં સંડોવાયેલો હશે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે.
ચોખા, ઘઉં અને ખાદ્ય તેલનો પુરતો જથ્થો ઉપલબ્ધ
હાલમાં દેશમાં ચોખાનો જથ્થો 135 લાખ મેટ્રિક ટન (LMT)ના બફર સ્ટોકની સામે 356.42 LMT છે, જ્યારે ઘઉંનો સ્ટોક 276 LMTના ધોરણ સામે 383.32 LMT છે. આથી ખાદ્ય સુરક્ષા માટે કોઈ ચિંતાની જરૂર નથી.
તે ઉપરાંત, ભારતમાં હાલ 17 LMT જેટલો ખાદ્ય તેલનો સ્ટોક છે અને સરસવના પાકના પીક સિઝનને લીધે સ્થાનિક ઉપલબ્ધતા વધુ મજબૂત બની છે.
ખાંડનો પણ ભરપૂર પુરવઠો
વર્તમાન ખાંડ સીઝન 79 LMTના કેરી-ઓવર સ્ટોક સાથે શરૂ થઈ હતી. ઇથેનોલ ઉત્પાદન માટે 34 LMTના ડાયવર્ઝન બાદ પણ અંદાજિત 262 LMT ખાંડનું ઉત્પાદન થવાનું છે, જેમાંથી અત્યાર સુધી 257 LMT ખાંડ તૈયાર થઈ ચૂકી છે. સ્થાનિક માંગ 280 LMT અને નિકાસ માટે 10 LMTને ધ્યાનમાં લેતા પણ દેશમાં 50 LMTનો અંતિમ ખાંડનો જથ્થો રહેવાનો અંદાજ છે, જે બે મહિના સુધી પૂરતો છે. આગામી ખાંડ સિઝન માટે પણ અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન સારો રહેવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશ ખાદ્ય સુરક્ષા માટે સજ્જ છે અને કોઈ પણ અછત નથી.