India Forex Reserve: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશી હૂંડિયામણ ભંડારમાં 2 અબજ ડોલરથી વધુનો ઘટાડો, સોનામાં પણ ઘટાડો નોંધાયો
India Forex Reserve: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલા તાજા આંકડા અનુસાર, 2 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં $2.06 અબજનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ ભારતનો કુલ ફોરેક્સ રિઝર્વ $688.13 અબજથી ઘટીને $686.06 અબજ થયો છે.
ગત કેટલાક અઠવાડિયાથી દેશના ફોરેક્સ રિઝર્વમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ આ સપ્તાહે પહેલી વખત ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને પાકિસ્તાન સાથેના તણાવ અને વૈશ્વિક આર્થિક અસરોને કારણે રોકાણકારો સાવધ થયા છે, જેના કારણે બજારમાં થોડો અવ્યસ્થિત દૃશ્ય પણ જોવા મળ્યો છે.
વિદેશી હૂંડિયામણ ભંડારના મુખ્ય ઘટકોમાંથી વિદેશી ચલણ સંપત્તિમાં પણ મિશ્ર પ્રભાવ જોવા મળ્યો. તેમાં $514 મિલિયનનો વધારો થયો છે અને તે $581.18 અબજ થઈ ગઈ છે. પરંતુ સોનાના ભંડારમાં $2.55 અબજનો ઘટાડો નોંધાયો છે, જે હવે $81.82 અબજ રહી ગયો છે. આ સાથે, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) પણ $30 મિલિયન ઘટીને $18.56 અબજ થઈ ગયા છે.
આયાત ક્ષમતા અંગે RBI એ જણાવ્યું કે હાલમાં દેશમાં ઉપલબ્ધ હૂંડિયામણ ભંડાર 10 થી 12 મહિનાની આયાત ખર્ચને પહોંચી વળવા માટે પૂરતો છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે દબાણમાં છે, જેના કારણે આરબીઆઈએ ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમને જોતા એવું લાગી રહ્યું છે કે વૈશ્વિક અને જિયોપોલિટિકલ અસરો ભારતના આર્થિક સંચાલનમાં પણ અસર કરી રહી છે. તણાવ યથાવત રહ્યો તો ભવિષ્યમાં હૂંડિયામણ ભંડારમાં વધુ ઘટાડો જોવામાં આવી શકે છે.