Emergency Meeting : ડ્રોન હુમલા બાદ સાવચેત ગુજરાત: કચ્છની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલે સરહદી કલેક્ટરો સાથે યોજી મહત્વની સુરક્ષા બેઠક
Emergency Meeting : રાજ્યના સરહદી વિસ્તારોમાં વધતી ગતિવિધી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સુરક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં કચ્છ સહિત સરહદી જિલ્લાઓના કલેક્ટરો જોડાયા છે અને સાથે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી તથા પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા છે.
આ બેઠક કચ્છના અબડાસા તાલુકાના નાની ધ્રુફી ગામ નજીક થયેલા પાકિસ્તાની ડ્રોન હુમલા પછી તાત્કાલિક બોલાવવામાં આવી છે. ભારતીય સેનાએ આ ડ્રોનને નિષ્ફળ બનાવ્યું હતું, છતાં સરહદે વધી રહેલા તણાવને કારણે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
સ્થિતિની ગંભીરતાને અનુરૂપ, કચ્છ જિલ્લા કલેક્ટરે લોકોને ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે અને અફવાઓથી દૂર રહેવા ચેતવણી પણ આપી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે પાકિસ્તાન તરફથી થતી કોઈપણ તોફાની હરકતમાં રાજ્યના નાગરિકોનું જીવન અસુરક્ષિત ન બને.
આ બેઠક દરમિયાન સુરક્ષા દળોની તૈનાતી, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવી અને અફવાઓ રોકવા માટેની કામગીરી પર ચર્ચા થઈ શકે છે. સંભવિત ખતરાને પગલે રાજ્યની તંત્ર દ્વારા ઝડપભરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.