IPL 2025: ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર, IPL 2025 હવે ફરી શરૂ થશે આ તારીખથી
IPL 2025: ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે – IPL 2025 ફરી શરૂ થવાની શક્યતા બની રહી છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ હવે 16 કે 17 મે સુધીમાં ફરી શરૂ થઈ શકે છે, તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ટૂંક સમયમાં IPL ના નવા શેડ્યૂલની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
હાલ સુધીમાં IPL 2025 ની કુલ 57 મેચ રમાઈ ચૂકી છે. પરંતુ પાકિસ્તાન સાથેના તણાવ અને સુરક્ષા સંજોગોને કારણે ‘પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સ’ ની મેચ પછી લીગને સ્થગિત કરવી પડી હતી. હવે ફરીથી IPL ની શરૂઆત પણ એ જ મેચથી થવાની છે, જેને અગાઉ અધૂરી રાખવી પડી હતી.
IPL માટે BCCI નું પ્લાન અને ટીમોને સૂચના
BCCI એ તમામ ફ્રેન્ચાઈઝીઓને મંગળવાર સુધીમાં તેમના-તેના હોમ વેન્યૂ પર પહોંચી જવાનું જણાવ્યું છે. પંજાબ કિંગ્સ માટે હજુ સુધી નવું સ્થળ નક્કી થયુ નથી, તેથી તે અંગે અલગ નિર્ણય લેવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે BCCI IPL 2025 ને 25 મે પહેલા પૂરી કરવા ઈચ્છે છે. આ માટે લીગમાં ડબલ હેડર મેચો (એક દિવસમાં બે મેચ) પણ યોજવામાં આવી શકે છે જેથી તમામ બાકી મેચો સમયમર્યાદામાં પૂરી થઈ શકે.
વિદેશી ખેલાડીઓને પણ પાછા બોલાવવાની તૈયારી
જ્યારે IPL સ્થગિત થયું, ત્યારે ઘણા વિદેશી ખેલાડીઓ પોતાના વતન પરત ફર્યા હતા. હવે ફ્રેન્ચાઈઝીઓ ફરીથી તેમને બોલાવવા તૈયાર છે અને સાથે જ પ્રવાસ અને સુરક્ષા માટેની વ્યવસ્થા હાથ ધરી રહી છે.
સરકાર સાથે ચર્ચા બાદ લેશે અંતિમ નિર્ણય
IPL ચેરમેનના જણાવ્યા મુજબ, યુદ્ધવિરામની જાહેરાત પછી હવે સરકાર સાથે મંત્રણા કર્યા બાદ જ લીગ ફરી શરૂ કરવાની જથ્થાબંધ તૈયારીઓ શરૂ કરવામાં આવશે. “સ્થળ, તારીખો અને સલામતી માટેની દરેક બાબત સરકારના માર્ગદર્શન હેઠળ જ નક્કી કરવામાં આવશે,” એમ તેમણે ઉમેર્યું.
નિષ્ણાતોની માન્યતા અનુસાર IPL 2025 ની પુનઃશરૂઆત ક્રિકેટ ઇકોનોમી અને દર્શકો બંને માટે મોટી રાહત લાવશે. જો તમામ યોજના સફળ જાય, તો આ IPL ઐતિહાસિક બની શકે છે.