અમદાવાદમાં જમીન વિવાદના ઝઘડામાં સગા કાકાએ વકીલ ભત્રીજાની ઓફિસમાં લમણે રિવોલ્વર મૂકીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં, પણ ઘરેથી ચેક બૂક મંગાવી 50 લાખના સાત ચેક ઉપર સહીઓ કરાવી લીધી હતી. વકીલ ભત્રીજાની ઓફિસમાં સીસીટીવી કેમેરા હોવાથી આરોપીઓ સીસીટીવીની ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. વકીલ ભત્રીજાએ આ મામલે સગા કાકા સહિતનાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
પાર્થ સારથી મ્હેડ(ઉંમર- 40) 16 વર્ષથી હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને કલોલના નાંદોલી ગામ ખાતેના વાત્સલ્ય બંગલોઝમાં રહે છે. તેઓએ 3 વર્ષ પહેલાં પરિમલ ગાર્ડન શાંતિસદન સોસાયટીમાં આવેલી મિલકત વેચી હતી. જેની અડધી રકમ બાબતે તેમના કાકા અભિજાત પરાસર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. 19 ઓગસ્ટે સાંજના સમયે અભિજાત, સૂરજભાઇ તેમજ અન્ય 3 માણસ પાર્થની ઓફિસમાં આવ્યા અને પિસ્તોલની અણીએ માર મારી 50 લાખના 7 ચેક લખાવી લેતાં પાર્થે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધીને એક આરોપી સૂરજ પાંડેની ધરપકડ કરી હતી. જો કે જજીસ બંગલો પોલીસ ચોકીમાંથી આરોપી સૂરજ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. પણ થોડે દૂર જતાં જ પોલીસે તેની ફરીથી ધરપકડ કરી લીધી હતી.