India ભારતનો નાણાકીય સહયોગ ફરી નોંધપાત્ર: માલદીવને 50 મિલિયન ડોલરની લોન એક વર્ષ માટે લંબાવાઈ
India ભારતે માલદીવને એકવાર ફરી નાણાકીય રીતે સહાય આપી છે. માલદીવની વિનંતી પર ભારતે 50 મિલિયન અમેરિકી ડોલરની ટૂંકાગાળાની લોન સુવિધાને વધુ એક વર્ષ માટે લંબાવી છે. આ લોન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા ટ્રેઝરી બિલ્સના રૂપમાં આપવામાં આવી છે.
ભારતના માલદીવ ખાતેના હાઈ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, ભારત સરકારે 2019 થી આ પ્રકારની નાણાકીય સહાય ચાલુ રાખી છે. વિશેષ વાત એ છે કે આ લોન વ્યાજમુક્ત છે અને માલદીવ સરકાર દર વર્ષે તેની નમ્રતાપૂર્વક પુનઃઅરજી કરે છે.
માલદીવ સરકારે કહ્યું કે આ નાણાકીય સહાય દેશમાં ચાલુ નાણાકીય સુધારાઓ અને અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસોને સમર્થન આપે છે. દેશના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે ભારત સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો આભાર માન્યો અને જણાવ્યું કે “આર્થિક સ્થિરતા માટે ભારતનો સાથ અમૂલ્ય છે.”
વિશ્લેષકોના મતે, આ સહાય માત્ર નાણાકીય સ્તર પર નહીં, પણ ભારત-માલદીવ સંબંધો માટે પણ એક મજબૂત સંકેત છે. બંને દેશો વચ્ચેની પડોશી નીતિ, ભવિષ્યમાં વધુ મજબૂત જોડાણ તરફ નિર્દેશ કરે છે.