બે દશકા પછી એશિયા ફરી એક વખત ગંભીર આર્થિક સંકટમાં સપડાઇ શકે છે. આ આશંકા જાણીતી અમેરિકી ગ્લોબ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ એજન્સી મેકકિન્સે એન્ડ કંપનીએ વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે આર્થિક વ્યવસ્થાને લઇને એશિયા માટે સારા સંકેત નથી. મેકકિન્સેએ ઓગસ્ટમાં જાહેર કરેલા રિપોર્ટમાં વધતા જતાં દેવા, લોન ચૂકવવા માટેના દબાણ અને બેંકોની અવ્યવસ્થિત પ્રક્રિયા અંગે ચિંતા દર્શાવી છે. જયદીપ સેનગુપ્તા અને અર્ચના શ્રેષદ્રીનાથન દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવો તણાવ ઉભો થવાની અને નવા આર્થિક સંકટની શક્યતા દેખાઇ રહી છે. સરકાર અને ઉદ્યોગ સાહસિકોએ તેને પહોંચી વળવાની શક્યતાઓ પર કામ કરવું પડશે. આ કંપનીની ચેતવણી ત્યારે આવી છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર એશિયન કંપનીઓમાં કમાણીને લઇને દબાણ વધી રહ્યું છે.
આ રિપોર્ટ એશિયા પેસિફિક દેશોની 23હજાર કંપનીઓની બેલેન્સ શીટના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું હતું કે, મોટા ભાગની ફર્મ્સ લોન ચૂકવવાના મામલે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ચીન અને ભારત જેવા દેશોમાં આ દબાણ 2007થી જોવા મળી રહ્યું છે. ભારતમાં ખેતી પછી સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ કપડાનો છે અને તેમાં પણ હાલમાં ભારે મંદી જોવા મળી રહી છે.