Fake gold jewelry in Rajkot: રાજકોટ સમૂહલગ્નમાં ભેટ તરીકે આપેલા દાગીના નકલી નીકળતાં રોષ ફાટ્યો
Fake gold jewelry in Rajkot : રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન હવે વિવાદમાં ઘેરાઈ ગયાં છે. આ સમારંભમાં કુલ 555 નવવધૂઓને દાતાઓ તરફથી સોનાના દાગીના ભેટરૂપે આપવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન બાદ કેટલીક નવવધૂઓના પરિવારોને જ્યારે આ દાગીનાની ચકાસણી કરાવી, ત્યારે બહાર આવ્યું કે તેઓ મૂળ સોના નહીં પરંતુ નકલી ધાતુના બનાવેલા હતા.
સુરેન્દ્રનગરના પરિવારની તપાસથી ખુલાસો
વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે સુરેન્દ્રનગરના એક પરિવારના સભ્યોએ જ્વેલર્સ પાસેથી દાગીના ચકાસાવ્યા. દાગીના નકલી હોવાનું જાણવા મળતાં તેમણે તાત્કાલિક પોલીસમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી. આ ઘટના બાદ અન્ય કેટલાંક પરિવારોએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને તેમના દાગીનાની પણ ચકાસણી શરૂ કરી દીધી છે.
આયોજકોની તરફથી બચાવ – ‘માત્ર એક ભૂલ હતી’
આ સમગ્ર મામલે મુખ્ય આયોજક અને શિવાજી સેના પ્રમુખ વિક્રમ સોરાણીએ નિવેદન આપ્યું છે કે દાગીના તેમના તરફથી નહીં, પરંતુ વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે, “જો કોઇને નકલી દાગીના મળ્યા હોય તો શક્ય છે કે એ દાતાની ભૂલ હોય. તેમ છતાં, અમે જવાબદારી લેતા કહીયે છીએ કે જરૂર પડી તો તે દાગીના બદલવામાં આવશે.” તેમણે આ ઘટનાને ‘સમજણફેર’ ગણાવી હતી.
પરિવારો નારાજ – જવાબદારીથી બચી શકતા નથી આયોજકો
જ્યાં આયોજકો આ મુદ્દાને નાની ભૂલ તરીકે રજૂ કરી રહ્યાં છે, ત્યાં પીડિત પરિવારો આને ગંભીર છેતરપિંડી ગણાવી રહ્યાં છે. તેમનું માનવું છે કે સમૂહલગ્ન જેવા મોટા આયોજનમાં આપવામાં આવતી દરેક વસ્તુની ગુણવત્તા ચકાસવી આયોજકોની ફરજ હતી. તેમની બેદરકારીના લીધે હવે નવવધૂઓ અને તેમના પરિવારોને સામાજિક રીતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પોલીસ તપાસ ચાલુ, વધુ ખુલાસાઓની શક્યતા
હાલમાં પોલીસ આ મામલે તપાસ શરૂ કરી ચૂકી છે. દાતાઓ અને આયોજકો બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, અન્ય પરિવારો પણ તેમના દાગીનાની ચકાસણીમાં લાગી ગયા છે. પરિણામે, આવતા દિવસોમાં વધુ ફરિયાદો સામે આવી શકે છે અને મુદ્દો વધુ ઊંડો જઈ શકે છે.