PM Surya Ghar Yojana : ગુજરાતના લોકો માટે PM સૂર્ય ઘર યોજના: ઘર ઉપર મફત સોલર પેનલ અને વધતા ફાયદા
PM Surya Ghar Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદૃઢ માર્ગદર્શન હેઠળ ગુજરાતે પુનઃ સાબિત કરી બતાવ્યું છે કે, યોગ્ય નીતિ, કાર્યક્ષમ અમલ અને જાગૃત જનસમૂહના સહયોગથી કોઈપણ યોજના રાષ્ટ્રવ્યાપી સફળતામાં ફેરવાઈ શકે છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત વિજળી યોજના હેઠળ રાજ્યએ નાણા વર્ષ 2024-25 માટે નક્કી કરાયેલો 3.05 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે.
ગુજરાત ફરીથી દેશનો લીડર
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. (GUVNL) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, 11 મે 2025 સુધીમાં રાજ્યમાં કુલ 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ સ્થાપિત થઈ ચૂક્યાં છે. આ સફળતા સાથે ગુજરાત હવે દેશમાં કુલ રૂફટોપ ઇન્સ્ટોલેશનોમાં 34% જેટલું યોગદાન આપે છે, જે સર્વોચ્ચ છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ રાજ્યના 3.03 લાખ લાભાર્થીઓને કુલ ₹2362 કરોડની સબસિડી પણ ચુકવી છે.
અન્ય રાજ્યો કરતાં ભારતનું ગુજરાત આગળ
મહારાષ્ટ્ર 1.89 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે છે, જ્યારે ઉત્તર પ્રદેશ (1.22 લાખ), કેરળ (95 હજાર) અને રાજસ્થાન (43 હજાર) ક્રમશ: ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. આ સાબિત કરે છે કે, ગુજરાતે માત્ર લક્ષ્યાંકો જ હાંસલ કર્યા નથી, પણ નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે દેશનું નેતૃત્વ પણ સંભાળ્યું છે.
પર્યાવરણને ફાયદો: કોલસા બચત અને CO₂ ઉત્સર્જનમાં ઘટાડો
GUVNL દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 3.36 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમથી રાજ્યમાં કુલ 1232 મેગાવૉટ ઊર્જા પેદા થઈ છે, જે કોલસા આધારિત વીજ ઉત્પાદનના તુલ્ય ગણાય તો લગભગ 1834 મિલિયન યુનિટ વીજળી જેટલી છે. આ કારણે અંદાજે 1284 મેટ્રિક ટન કોલસાની બચત થઈ છે અને વાતાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે.
PM સૂર્ય ઘર મુફ્ત વિજળી યોજના શું છે?
ફેબ્રુઆરી 2024માં શરૂ કરાયેલ આ યોજના હેઠળ ભારતમાં રહેલા ઘરમાલિકોને તેમના ઘરે સોલાર પેનલ સ્થાપિત કરાવવા માટે સહાય મળે છે. જે નાગરિક 3kW સુધીની રૂફટોપ સિસ્ટમ લગાવે છે તેમને ₹78,000 સુધીની સબસિડી મળતી હોય છે. તેમજ દર મહિને 300 યુનિટ સુધી મફત વિજળી મળે છે.
યોગ્ય નાગરિક https://pmsuryaghar.gov.in વેબસાઇટ પર જઈને સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે છે. યોજના માટે કોઈ આવક મર્યાદા નથી, માત્ર ઘરની છત હોવી આવશ્યક છે.
સફળતાના પાયામાં – લોકજાગૃતિ અને સંકલિત પ્રયાસો
ગુજરાત સરકારે શહેર અને ગામ સ્તરે વિશાળ જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે. સ્થાનિક મંડળો, પંયચાયતોથી માંડીને ઊર્જા વિભાગે લોકોને અરજી પ્રક્રિયા, લાભો અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પરિણામે નાગરિકોમાં વિશ્વાસ ઊભો થયો અને યોજના ભીતરથી સફળ બની.
આવાં સંકલિત પ્રયાસો રાજ્યને રિન્યૂએબલ એનર્જીમાં દેશનું આગવું મોડેલ બનાવે છે – જ્યાં જનભાગીદારી અને સંસ્થાગત કુશળતા સાથે ભવિષ્ય માટે શૂન્ય ઉત્સર્જન તરફ દૃઢ પગલાં ભરાઈ રહ્યા છે.