શ્રાવણ માસના અંતિમ શનિવારે બોડેલીના ઝંડ ગામે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અભ્યારણ વિસ્તારમાં બિરાજમાન હનુમાનદાદાના દર્શનનો લાભ લીધો હતો. અંદાજે ત્રણ લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. કહેવાય છે કે પાંડવો અજ્ઞાત વાસના સમયે અહીં રોકાયા હતા. ભીમ અને હિંડંબાનું મીલન થયુ હતું. જેને કારણે આ સ્થાનને હિડંબા વન તરીકે ઓળખવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે હનુમાનદાદાના મંદિરથી થોડેક દૂર અર્જુને જમીનમાં તીર મારીને પાણીનું એક ઝરણું વહેતું કર્યું હતું. તો ભીમની ઘંટી તરીકે પ્રચલિત બનેલી વિશાળકાય ઘંટી તેમજ આસપાસમાં આવેલ શિવ મંદિર અને પૌરાણિક પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. હનુમાનદાદાના ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિ અંકિત છે. જેનું અનેરૂ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ચાલીને આવવાની માનતા રાખે છે. કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે તંત્રએ પણ તકેદારી લીધી હતી.