Gujarat lion census 2025 : ગિરથી ભાવનગર સુધી… ગુજરાતમાં સિંહોનો વિસ્તાર વધ્યો? ગણતરીમાં ખાસ નોંધ
Gujarat lion census 2025 : ગુજરાતના જંગલોમાં એક વખત ફરીથી એશિયાઈ વનરાજે પોતાનું શાસન સ્પષ્ટ કર્યું છે. ભાવનગર જિલ્લાના જંગલ વિસ્તારોમાં ૨૦ સિંહોનું એક મોટુ સમૂહ જોવા મળતાં વનવિભાગમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ૧૦ થી ૧૩ મે ૨૦૨૫ દરમ્યાન યોજાયેલ ચાર દિવસીય ૧૬મી સિંહ વસ્તી ગણતરીનો અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.
આ વખતની ગણતરીમાં રાજ્યભરના ૧૧ જિલ્લાઓના ૫૮ તાલુકાઓ આવરી લેવામાં આવ્યા હતા અને કુલ ૩૫,૦૦૦ ચોરસ કિમી વિસ્તારને આવરી લેતી આ મહત્ત્વકાંક્ષી કામગીરીમાં અંદાજે ૩,૦૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા.
વનરાજના સંરક્ષણ માટે રાજકીય અને સામાજિક સહભાગીતા
વિશેષ વાત એ રહી કે આ કામગીરીમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ સક્રિય ભાગ લીધો હતો. ગુજરાતના મૂળ વતની હોવા છતાં તેઓ આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા છે. નથવાણીએ સ્વયં મોટરસાઇકલ લઈને ગીરના નજીકના વિસ્તારોની મુલાકાત લીધી અને વન અધિકારીઓ સાથે જમીનસ્તર પર આ કામગીરીને સમજી.
માર્ચ ૨૦૨૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ વન્યજીવનના મહત્ત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું હતું. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં લીધા હતા. આ વસ્તી ગણતરી પણ તેઓએ શરુ કરેલા પ્રયાસોનો જ એક ભાગ છે.
ગણતરીના પરિણામે આશાની કિરણ
ભાવનગર જિલ્લામાં ૨૦ સિંહોનું એકસાથે દેખાવું એ બતાવે છે કે સંરક્ષણના પ્રયાસો યથાવત્ સફળ રહી રહ્યા છે. અમુક ગામો અને વિસ્તારોમાં અગાઉની તુલનાએ વધુ સિંહોની હાજરી નોંધાતા વનવિભાગે હૂંફભર્યું પ્રતિક્રિયા આપી છે.
આ વસ્તી ગણતરી સિંહોની સાચી સંખ્યા અને તેમની પ્રવૃત્તિઓના અભ્યાસ માટે અત્યંત જરૂરી છે. મળેલી પ્રાથમિક જાણકારી મુજબ, મોટાભાગના વિસ્તારોમાં સિંહોની સંખ્યા સ્થિર રહી છે અથવા થોડું વૃદ્ધિ પામી છે.