India-Bangladesh ભારતનો વ્યાપારી પ્રહાર: બાંગ્લાદેશને ₹6600 કરોડથી વધુનું આર્થિક નુકસાન
India-Bangladesh ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપારી સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતે બાંગ્લાદેશથી આયાત થતી લગભગ 42 ટકા ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી બાંગ્લાદેશને અંદાજે $770 મિલિયન (રૂ. 6600 કરોડથી વધુ)નું નુકસાન થવાની શક્યતા છે. આ પ્રતિબંધ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના નવા નિયમો અનુસાર અમલમાં મૂકાયો છે.
મુખ્ય અસર: બાંગ્લાદેશના કપડા અને ઉત્પાદન ક્ષેત્ર પર પડઘો
ભારતના નવા નિયમો અનુસાર, હવે બાંગ્લાદેશથી આવતા અનેક માલ ઉપર જમીન માર્ગ દ્વારા આયાત પર પ્રતિબંધ લાગ્યો છે. ખાસ કરીને, કપડાં, પ્રોસેસ્ડ ફૂડ, અને પ્લાસ્ટિકના ઉત્પાદનો હવે ફક્ત ચોક્કસ બંદરો (કોલકાતા અને નવા શેવા) મારફતે જ આયાત કરી શકાશે.
ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશ દર વર્ષે લગભગ $618 મિલિયનના રેડીમેડ કપડાં ભારતમાં નિકાસ કરે છે. અગાઉ આ માલ જમીન માર્ગે ભારત પહોંચતો, હવે એ માત્ર બંદરો મારફતે જ આવી શકશે. આ નિર્ણય બાંગ્લાદેશના નિકાસ ક્ષેત્ર, ખાસ કરીને કપડા ઉદ્યોગ, માટે મોટું આર્થિક નુકસાન સાબિત થવાનો અંદાજ છે.
ભારતમાં નિર્ણય પાછળનું કારણ શું?
આ પગલું માત્ર વ્યાપારી નહીં, પણ રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ લેવામાં આવ્યું છે. GTRIના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશે પણ 2024ના અંતથી ભારતીય વસ્તુઓ – ખાસ કરીને યાર્ન અને ચોખા જેવી આયાત પર કડક નિયમો લાદ્યા છે. એપ્રિલ 2025થી બાંગ્લાદેશે ભારતથી યાર્નની જમીન માર્ગે આયાત બંધ કરી હતી, જેના જવાબમાં ભારતે આ પ્રતિબંધ લાદ્યો છે.
ચીન સાથે બાંગ્લાદેશની નજીક આવતાં સંબંધો પણ કારણ
આ નિર્ણય પાછળનું બીજું મહત્વનું કારણ છે બાંગ્લાદેશનો ચીન તરફ વળતો ઝુકાવ. તાજેતરમાં બાંગ્લાદેશના વચગાળાના વડા મુહમ્મદ યુનુસે ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાંથી ભારત અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “સેવન સિસ્ટર્સ રાજ્ય ચીન માટે વ્યૂહાત્મક છે,” અને ચીન સાથે $2.1 બિલિયનના રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર નવો વળાંક લઈ રહ્યો છે. જો બાંગ્લાદેશ ચીન તરફ વધુ ઝુકાવ રાખશે અને ભારતના વેપાર હિતોને અવગણશે, તો ભારત પણ વ્યૂહાત્મક રીતે સખત પગલાં લેવાનું પસંદ કરશે. હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે આ નિર્ણય માત્ર નીતિગત નહીં, પણ અર્થતંત્ર અને કૂટનૈતિક દબાણ માટેનો ભાગ છે – જેનો અસરકારક દંડ બાંગ્લાદેશને સહન કરવો પડશે.