Amit Shah inaugurates Pallav Bridge : ૬૦૦ મીટર લાંબો પલ્લવ બ્રિજ અમદાવાદમાં જાહેર જનતાને સોંપાયો
Amit Shah inaugurates Pallav Bridge : અમદાવાદ શહેરના સતત વધતા ટ્રાફિકને નિમિત્ત બનાવીને આજે નારણપુરાના પલ્લવ ચાર રસ્તા પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયેલા આ ઉદ્ધાટનથી એક લાખથી વધુ શહેરવાસીઓને દૈનિક ટ્રાફિકની દુઃખદ સમસ્યામાંથી રાહત મળશે એવી આશા છે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજ 132 ફૂટ રીંગરોડ પર આવેલી એક મહત્વની ટ્રાફિક નોડ પર બાંધવામાં આવ્યો છે, જ્યાંથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. લોકાર્પણ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે, “હું પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઇ ગયો છું. હવે 1.5 લાખ વાહનો સિગ્નલ વિના પસાર થઈ શકશે અને લોકોના અમૂલ્ય સમયની બચત થશે.”
ગુજરાતમાં વિકાસની નવી ગતિ: ₹1600 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આ પ્રસંગે અમિત શાહે AMC અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કુલ ₹1600 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. જેમાં ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજના સમાંતર બ્રિજ તેમજ સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવર પણ શામેલ છે.
આ સિવાય PM આવાસ યોજના હેઠળ 1000થી વધુ મકાનોનું ચાવી વિતરણ અને AMCમાં નવી ભરતી થયેલા 700 જેટલા યુવાઓને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા. મહિલાઓ અને સ્વરોજગારી માટે રેંટિયો ચરખા, સિલાઈ મશીન અને અગરબત્તી મશીન જેવી સહાય પણ આપી ..
‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’ તરફ યાત્રા: ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રસંગે સ્પષ્ટ કર્યું કે, “અમે વિકાસના કામોમાં વધુ ધ્યાન આપીને ગુજરાતને ‘વિકસિત રાજ્ય’ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. વરસાદી પાણી બચાવવું, ગ્રીન કવર વધારવું અને સામાન્ય લોકોને ઘર મળવું એ મુખ્ય છે.”
સહકાર ક્ષેત્રે ગુજરાત દેશને માર્ગ દર્શાવશે: સહકારી મહાસંમેલનમાં અમિત શાહ
આજના કાર્યક્રમ પહેલા અમિત શાહે સોલા સાયન્સ સિટી ખાતે યોજાયેલ સહકારી મહાસંમેલનમાં પણ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું કે, “સહકારિતામાં સહકાર જરૂરી છે. દરેક સભ્યનું બેંક એકાઉન્ટ જિલ્લા કો-ઓપ બેંકમાં હોવું જોઈએ અને સહકારી યુનિવર્સિટી માટે ગુજરાતે લીડ લેવી જોઈએ.”
તેમણે ઉમેર્યું કે, ડેરી ક્ષેત્ર માટે જરૂરી સાધનો કો-ઓપરેટિવ સંસ્થાઓ મારફતે ઉપલબ્ધ કરાવાશે અને ગુજરાતથી જ આ પ્રયોગ શરૂ થશે.
“પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ: આતંકવાદ નહીં બંધ થાય તો પાણી નહીં મળે”
જાહેર સભામાં એમ શાહે આતંકવાદ વિરોધી કડક વલણ પણ દાખવ્યું. તેમણે કહ્યું, “પીએમ મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આતંકવાદ અને સિંધુ નદી બંનેનું વહન સાથે નહીં થાય. જો આતંક અટકશે નહીં તો પાકિસ્તાનને એક ટીપું પાણી પણ નહીં મળે.”
તેમણે ઉમેર્યું કે, “અમે 100 કિમી અંદર જઈ આતંકવાદીઓને ખતમ કર્યા છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ હુમલાથી 9 સ્થળોએ આતંકી અડ્ડાઓ ધ્વસ્ત થયા છે.”
‘એક પેડ મા કે નામ’ અભિયાન: શહેરનું તાપમાન 3 ડિગ્રી ઘટાડવાની અપીલ
અમિત શાહે ગ્રીન ગાંધીનગર મિશન હેઠળ નાગરિકોને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવાની અપીલ કરી. “જો દરેક યુવાન અને પરિવાર વૃક્ષારોપણ કરે તો અમદાવાદનું તાપમાન ત્રણ ડિગ્રી ઘટાડી શકાય છે,” એમ તેમણે ઉમેર્યું.
વિકાસ સાથે સુરક્ષા અને પર્યાવરણનું સમતોલ દર્શન
આજનો દિવસ માત્ર એક બ્રિજના લોકાર્પણ પૂરતો નથી રહ્યો. વિકાસ, સુરક્ષા, સહકાર અને પર્યાવરણ ચારેય સ્તરે જે વચન આપવામાં આવ્યા તે ગુજરાતને આગળ લઈ જવાની દિશા બતાવે છે.
અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રો સાથે આજનો દિવસ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ તરફના મજબૂત પગલાઓનો સાક્ષી રહ્યો.