Operation Sindoor રાહુલ ગાંધીનો આરોપ, “આ રાજદ્વારી નહીં, જાસૂસી છે”
Operation Sindoor ઓપરેશન સિંદૂર અંગે આવેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે કોંગ્રેસે મોદી સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો દાવો છે કે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરતાં પહેલાં મોદી સરકાર દ્વારા પાકિસ્તાનને જાણ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાને “રાજદ્વારી નહીં, પણ જાસૂસી” ગણાવી છે અને કહ્યું કે દેશમાં સત્ય બહાર આવું જોઈએ.
વિદેશ મંત્રીના નિવેદન પર રાજકીય તોફાન
રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે, જયશંકરનો સ્વીકાર કે ઓપરેશન અગાઉ પાકિસ્તાનને જાણ કરવામાં આવી એ દુર્ભાગ્યજનક છે અને દેશની સુરક્ષા સાથે ચેડાં છે. રાહુલે સવાલ કર્યો કે, “પાકિસ્તાનને પૂર્વ માહિતી આપવાને કારણે આપણે કેટલાં વિમાનો ગુમાવ્યાં?” તેમના મતે, આ એક ગંભીર ગુનો છે, જેને છુપાવવાની નહીં, પણ દેશને જાણ કરવાની જરૂર છે.
પવન ખેરાનો પ્રહાર
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની છબી દૂષિત થઈ રહી છે. પવન ખેરાએ પુલવામા અને પહેલગામ જેવા હુમલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો એવા મુદ્દાઓ પર પ્રશ્નો નહીં ઉઠાવાય તો ભવિષ્યમાં વધુ મોટી ઘટનાઓ બની શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક ભારતીય જાસૂસોની ધરપકડની વાતો બહાર આવી છે, પરંતુ સરકાર આ મુદ્દાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. “મોદીજી જે વખત ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા કે સમસ્યા સરહદ પર નથી, પરંતુ દિલ્હીમાં છે – આજે એ જ વાત સાબિત થઈ રહી છે,” એમ ખેરાએ કહ્યું.
કેન્દ્રની સ્પષ્ટતા: રાહુલના આરોપો ખોટા અને દિશાભ્રમિત
વિદેશ મંત્રાલયે રાહુલ ગાંધીના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. મંત્રાલયનું કહેવું છે કે રાહુલ ગાંધીએ જે તથ્યો રજૂ કર્યા છે તે ખોટા છે અને જનતામાં ગેરસમજ ફેલાવવા માટે છે. મંત્રાલય મુજબ, ભારતના રાષ્ટ્રસુરક્ષા હિતોની રક્ષા કરવામાં સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને કોઈ પણ પ્રકારની જાણકારી દુશ્મન રાષ્ટ્રને અગાઉ આપવામાં આવી નથી.
ઓપરેશન સિંદૂરને લઇ ને સર્જાયેલા વિવાદ બાદ દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે જ્યારે કેન્દ્ર સરકાર પોતાનો બચાવ કરી રહી છે. હવે જોવાનું એ છે કે સમગ્ર મામલે વધુ કેટલી જાણકારી બહાર આવે છે અને તેની પાછળનું સંપૂર્ણ સત્ય શું છે.