Utran Railway Station redevelopment: મુસાફરો માટે નવી વેઇટિંગ રૂમ અને બુકિંગ ઓફિસની સુવિધા
Utran Railway Station redevelopment: સુરત શહેર નજીક આવેલ ઐતિહાસિક ઉત્રાણ રેલવે સ્ટેશને હવે નવો ચહેરો ધારણ કર્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનનું અંદાજે ₹8 કરોડના ખર્ચે આધુનિક રીતે નવીનીકરણ કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશનથી માત્ર પાંચ કિમીના અંતરે આવેલું આ સ્ટેશન હવે નવી સુવિધાઓથી યુક્ત બની મુસાફરો માટે વધુ સગવડભર્યું બન્યું છે.
બુકિંગ ઓફિસથી લઈને સબવે સુધી સુવિધાઓનો જથ્થો
સ્ટેશનની પૂર્વ બાજુએ નવી બુકિંગ ઓફિસ, પેસેન્જર વેઇટિંગ રૂમ, ડ્રોપ-ઑફ અને પિક-અપ માટે મંડપ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. આધુનિક વોશરૂમ બ્લોક હવે દિવ્યાંગ મુસાફરોને અનુકૂળ રીતે ડિઝાઇન કરાયો છે. ઉપરાંત, પ્લેટફોર્મ પર G.I. શીટથી આવરણ અપાયુ છે, જે વરસાદ અને તડકાથી સુરક્ષા પૂરું પાડી રહેલું છે.
સુરક્ષા અને એસેસબિલિટી બંનેમાં સુધારો
મુખ્ય સુધારામાંથી એક એટલે કે સ્ટેશનના પૂર્વ અને પશ્ચિમ બાજુએ રાહદારી સબવે તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્રેનોની પેસેન્જર ચળવળને વધુ સરળ બનાવે છે. સ્ટેશન પર હવે સીસીટીવી કેમેરા, અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમ અને સંચિત પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે જ, ટેક્ટાઇલ ટાઇલ્સ અને નીચી ઊંચાઈના પાણીના નળ દિવ્યાંગો માટે ઉપયોગી સાબિત થશે.
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે આધુનિકતા
1890માં સ્થાપિત થયેલું ઉત્રાણ રેલવે સ્ટેશન પહેલાં BB&CI રેલ્વેની લાઇન પર હતું અને અંકલેશ્વર સાથે જોડાણ ધરાવતું હતું. તાપી નદીના કિનારે આવેલું આ સ્ટેશન હવે તેના ઐતિહાસિક મહત્વ જાળવી રાખીને પણ આધુનિકતા તરફ આગળ વધ્યું છે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બન્યું આ રૂપાંતર
ભારતીય રેલ્વે દ્વારા અમલમાં મૂકાએલી “અમૃત ભારત સ્ટેશન યોજના” અંતર્ગત ઉત્રાણ સ્ટેશનનું પુનર્જીવન થયું છે. તેની આસપાસના વિસ્તારો સાથે કનેક્ટિવિટી પણ મજબૂત બનાવાઈ છે, જેના કારણે સ્થાનિક વસાહતના મુસાફરોને પણ રાહત મળી રહી છે.