Dharoi Adventure Fest : એડવેન્ચર, ટેન્ટ સિટી અને સાંસ્કૃતિક રંગ: ધરોઈ એડવેન્ચર ફેસ્ટથી લાવજો યાદગાર અનુભવ
Dharoi Adventure Fest : ગુજરાતના મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે રાજ્યના સૌપ્રથમ અને દેશના સૌથી લાંબા એડવેન્ચર ઉત્સવનો પ્રારંભ ૨૩ મે, ૨૦૨૫ના રોજ થવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9:30 કલાકે ઔપચારિક રીતે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે. આ અનોખું ફેસ્ટિવલ પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ATOAI)ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે.
ઝમીન, પાણી અને આકાશ – ત્રણે તત્વોમાં સંઘર્ષ અને મજા
આ ફેસ્ટિવલમાં મુલાકાતીઓ જમીન પર ટ્રેકિંગ, સાઈકલિંગ, માઉન્ટેન બાઈકિંગ, કેમ્પિંગ, રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ માણી શકે છે. પાણીમાં પાવર બોટિંગ અને પેરાસેઇલિંગ જેવી હાઈ-એન્ડ એક્ટિવિટીઝ ઉપલબ્ધ છે, જ્યારે આકાશમાં પેરામોટરિંગ જેવી સાહસિક ટુર પણ આરંભ થશે.
રહેવા અને આરામ માટે સુવિધાયુક્ત ટેન્ટ સિટી
પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે જેમાં દરબારી, પ્રીમિયમ અને ડિલક્સ ટેન્ટ જેવી વિવિધ શ્રેણીઓ છે. તેમાં વધુમાં વધુ આરામ મળે તે માટે કુલ ૨૧ ટેન્ટ સાથે અંદાજિત ૧૦૦ બેડની AC ડોર્મિટરી બનાવવામાં આવી છે. અતિઆધુનિક ડાઈનીંગ હૉલ, તાત્કાલિક આરોગ્ય સેવાઓ અને આગ જેવી આપત્તિઓ સામેના સુરક્ષા ઉપાયો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર
દરેક સાંજે સંગીત, નૃત્ય અને લોકસંસ્કૃતિના રંગોથી ભરેલા કાર્યક્રમો યોજાશે. સાથે સાથે સ્ટાર ગેઝિંગ, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર જેવી પ્રવૃત્તિઓ પણ મુલાકાતીઓને કુદરતના વધુ નજીક લાવે તેવી રહેશે.
ટૂરિસ્ટ માટે સંપૂર્ણ પેકેજ
ટેંટ પેકેજમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો ચા-નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. શહેરી ધબકારા વચ્ચે ઝઝૂમતા જીવનમાંથી થોડું વિરામ લઈને ધરોઈ ડેમમાં શાંતિ અને રોમાંચથી ભરેલું એડવેન્ચર માણવા મળનાર આ અવસર ખરેખર યાદગાર બની રહેશે.
બુકિંગ અને વધુ માહિતી માટે…
“ધરોઈ એડવેન્ચર ફેસ્ટ”માં ભાગ લેવાની ઇચ્છા ધરાવતા પ્રવાસીઓ માટે બુકિંગની સુવિધા www.gujarattourism.com, www.dharoiadventurefest.com અને www.bookmyshow.com પર ઉપલબ્ધ છે.