Valsad વલસાડના પાલણ ગામે પડતર જમીન પર તળાવના ખોદકામમાં ધુપ્પલ, હેતુફેર કર્યા વિના શરુ કરાયેલા ખોદકામને કોણ અટકાવશે?
Valsad સરકારી ખાતાઓમાં ચાલતી પોલંપોલના અનેક પ્રકરણો બહાર આવે છે અને તેમાં શું કાર્યવાહી થાય છે તે અંગે તંત્ર દ્વારા મૌન સેવી લેવામાં આવે છે. વલસાડના પાલણ ગામમાં હાલમાં ચાલી રહેલા તળાવના ખોદકામમાં સરેઆમ ધુપ્પલ ચલવવામાં આવી રહ્યું છે. નીતિ-નિયમોને અભરાઈએ ચઢાવી દઈને તંત્ર દ્વારા બેરોકટોક તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
વિગતો મુજબ સુજલામ-સુફલામ યોજના હેઠળ ગામોમાં તળાવના નિર્માણ માટેની કવયાત હાથ ધરવામાં આવી છે. આમાં વલસાડનું પાલણ ગામનો પણ સમાવેશ થયો હોવાનું કહેવાય છે હવે પાલણ ગામના સરવે નંબર 272 પર તળાવનું ખોદકામ શરુ કરી દેવામાં આવ્યું છે. 7/12ના રેકર્ડ પરની માહિતી જોતા સરવે નંબર-272ની જમીન આજદિન સુધી પડતર જમીન જણાઈ આવી રહી છે. આનો અર્થ એ થયો કે પડતર જમીન પર તળાવનું ખોદકામ શરુ કરી દેવામાં આવ્યું છે. ન તો કોઈ હેતુફેર અને ન તો કોઈ નિયમોનું પાલન….
માહિતી મુજબ તળાવના ખોદકામ પહેલા 7/12માં હેતુફેર કરવાનો હોય છે, આ ઉપરાંત નક્શાની બ્લ્યુ પ્રિન્ટ પણ સબમીટ કરવાની હોય છે. પરંતુ આ કિસ્સામાં ગ્રામ પંચાયત કે કલેક્ટર દ્વારા આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી હોવાનું જણાતું નથી. ગ્રામ પંચાયતે તળાવ અંગે ભલે ઠરાવ કર્યો પણ ત્યાર પછી અનિવાર્ય રહેતી કાર્યવાહી કરવાનું કામ કરાયું ન હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તળાવ ત્યારે જ મળે કે જ્યારે 7/12માં તળાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અહીંયા તો પડતર જમીન પર જ મનસ્વી રીતે તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું ચાડી ખાય છે. કલેક્ટરે તળાવની પરમીશન આપતા પહેલાં જમીનના હેતુમાં ફેરબદલ કરવાની આવશ્યક્તા રહેલી હતી પણ અહીં તો લાલિયાવાડી જ ચાલી રહી છે. નીતિ-નિયમોના છડેચોક ધજાગરા ઉડાડીને હેતુફેર કર્યા સિવાય તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.ખાણ-ખનિજ વિભાગ પણ આવી રીતે સીધી રીતે કોઈ પ્રોસિજર કર્યા વિના તળાવની પરમીશન કેવી રીતે આપી શકે તે પણ મહત્વનો પ્રશ્ન છે.
હવે સ્થિતિ એ છે કે નીતિ-નિયમોને બાજુએ મૂકી તળાવનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે તો પ્રથમ પડતર જમીનનો હેતુફેર કરાય ત્યાં સુધી તળાવનાં ખોદકામને તાત્કાલિક અટકવવામાં આવે અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્સીને દંડ ફટકારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. 7/12માં સુધારા-વધારા કર્યા વિના ચલાવવામાં આવેલા ધુપ્પલને હવે કોણ અટકાવે છે અને કેવી રીતે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહે છે.