Rahul Gandhi 2018ના વિવાદાસ્પદ નિવેદનનો કેસ ફરી દફતર પર આવ્યો
Rahul Gandhi કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાનૂની મુશ્કેલીઓ ફરી એક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઝારખંડ રાજ્યના ચૈબાસા સ્થિત સાંસદ-ધારાસભ્ય (MP-MLA) કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યો છે. આ પગલું કોર્ટ દ્વારા ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા નથી.
વિવાદાસ્પદ નિવેદનથી શરૂ થયેલો મામલો
આ મામલો 2018માં થયેલા કોંગ્રેસ અધિવેશનનો છે. તે દરમિયાન રાહુલ ગાંધીએ તત્કાલીન ભાજપ પ્રમુખ અમિત શાહ વિશે જણાવ્યું હતું કે, “માત્ર ભાજપ જ એવા વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવી શકે છે જે હત્યાના આરોપી હોય. કોંગ્રેસ એના જેવા મૂલ્યો નથી ધરાવતી.” આ નિવેદનને લઇને ભાજપના નેતા પ્રતાપ કટિયારે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમના મતે, રાહુલના નિવેદનથી સમગ્ર ભાજપ અને તેના કાર્યકરોનું અપમાન થયું છે.
કોર્ટના સમન્સનો અવગણો
પ્રથમ સુનાવણી રાંચીની એમપી-એમએલએ કોર્ટમાં ચાલી રહી હતી, જેને પછી ચૈબાસા ટ્રાન્સફર કરવામાં આવી. આ દરમિયાન રાહુલ ગાંધીને અનેક વખત કોર્ટ સમન્સ મોકલ્યા હતા. શરુઆતમાં કોર્ટે જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યો હતો, પણ રાહુલ ગાંધી સતત ગેરહાજર રહ્યા.
તેમણે હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી, જે 20 માર્ચ, 2024ના રોજ ફગાવવામાં આવી. બાદમાં રાહુલે કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી, પણ તે પણ રદ થઇ ગઈ.
કોર્ટનો કડક વલણ અને આગામી તિથિ
હમણાં, ચૈબાસા કોર્ટમાંથી તેમને 26 જૂન, 2025ના રોજ રૂબરૂ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ હવે આ મામલે વધુ છૂટછાટ આપવાની તૈયારીમાં નથી અને કડક વલણ અપનાવ્યું છે.