Asarwa Civil Hospital new building: ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે મોટું પગથિયું: અસારવા સિવિલમાં નવી 10 માળની હોસ્પિટલ બનશે
Asarwa Civil Hospital new building: આગામી 27 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા સિવિલ હોસ્પિટલ કૅમ્પસમાં 1800 બેડની નવો, ભવ્ય અને આધુનિક હોસ્પિટલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય ઈતિહાસમાં મહત્વપૂર્ણ ગણાતા આ મેગા હેલ્થ પ્રોજેક્ટ માટે અંદાજીત ₹588 કરોડનો ખર્ચ આવનાર છે અને તેનું નિર્માણ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની યોજના ઘડી છે.
જુના ઈમારતોનાં સ્થળે ઊભરશે નવી આધુનિક હોસ્પિટલ
હાલના જૂના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી પાંચ જેટલી જૂની ઈમારતો—જેમાં MS ઓફિસ પણ શામેલ છે—તેને તોડી નવું જી+10 માળનું બિલ્ડિંગ ઊભું કરાશે. આ બિલ્ડિંગમાં ખાસ કરીને સંક્રમણજન્ય રોગો માટે 500 બેડ, 300 ICU બેડ, 60 આઇસોલેશન વોર્ડ, તેમજ 50 સુપર સ્પેશિયાલિટી વોર્ડ હશે. ઉપરાંત, નવો મૉડ્યુલર ઑપરેશન થિયેટર અને 50 વિશિષ્ટ ખાનગી રૂમ પણ નિર્મિત થશે.
પાર્કિંગ અને ભવિષ્યની જરૂરિયાત માટે વિશાળ વ્યવસ્થા
આ નવી હોસ્પિટલનો એક લાખ ચોરસ મીટર જેટલો બિલ્ટ-અપ એરિયા હશે. પાર્કિંગની વાત કરીએ તો હોસ્પિટલ કેમ્પસમાં 600 ટૂ-વ્હીલર અને 1000 ફોર-વ્હીલર માટે જગ્યા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત બે માળનું મલ્ટીલેવલ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવશે.
આગામી પચાસ વર્ષ માટેનું વિઝન
આ સ્પેશિયાલિટી હોસ્પિટલ આવનારા 50 વર્ષની આરોગ્ય સેવાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. દર્દીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર, આધુનિક તબીબી સાધનો અને વધુ સુવિધાયુક્ત તબીબી વાતાવરણ મળશે. આ પ્રોજેક્ટ પૂરું થયા બાદ સિવિલ હોસ્પિટલમાં કુલ બેડની સંખ્યા 4200થી વધુ થઈ જશે, જે ગુજરાત રાજ્ય માટે આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પડકાર પૂરો કરશે.