PM Modi Gujarat roadshow 2025: ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં પીએમ મોદીનો ભવ્ય પ્રવાસ: અમદાવાદ, વડોદરા અને ભુજ રોડ શો માટે ધમધમાટ
PM Modi Gujarat roadshow 2025: 26મી મે 2025નો દિવસ ગુજરાત માટે એક વિશિષ્ટ ક્ષણ બની રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી “ઓપરેશન સિંદૂર”ની સફળતા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા, ભુજ અને અમદાવાદમાં જમાવટદાર રોડ શો અને જાહેરસભાઓ દ્વારા લોકસંપર્ક સાધશે. રાજ્યમાં તેમના આગમનને લઈને પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ અને રાજકીય પાંખે સઘન તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વડોદરાથી શરૂ થશે પીએમ મોદીની ગુજરાત યાત્રા
વડોદરામાં પીએમ મોદીનું આગમન 26 મેના રોજ સવારે 10 વાગે થશે. જૂના હરણી એરપોર્ટથી એરફોર્સ સ્ટેશન સુધી તેઓ રોડ શો યોજશે. આ રૂટ પર ફૂટપાથને રંગરોગાન કરવામાં આવ્યા છે, લાઈટિંગ વ્યવસ્થા સજાવી દેવાઈ છે… સુરક્ષા દૃષ્ટિએ SPG, પોલીસ કમિશનર અને સ્થાનિક વહીવટી તંત્ર ચુસ્ત તૈયારીમાં છે.
શહેરના મુખ્ય માર્ગો પર નોન-પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે અને માત્ર ઈમરજન્સી વાહનો તથા અધિકૃત વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી જનતાને સહકારની અપીલ કરી છે.
ભુજમાં દેશી સ્વાગત: 10,000 મહિલાઓ સાડી અને સિંદૂરમાં આપશે પીએમને આવકાર
બપોરે 2 વાગ્યે પીએમ મોદીના ભુજના રોડ શો અને જાહેર સભાનું આયોજન થયું છે. ખાસ વાત એ છે કે, અહીં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી પહેરી અને માથે સિંદૂર લગાવી પીએમને દેશી અંદાજે ભવ્ય સ્વાગત આપશે. પીએમ કચ્છમાં રૂ. 52,000 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધી દોઢ કિ.મી.નો રોડ શો યોજાશે.
અમદાવાદમાં સાંજે 6:30થી ઇતિહાસિક રોડ શો: બ્રહ્મોસ, રાફેલના ટેબ્લો અને દેશભક્તિની ઝાંખી
અંતે પીએમ મોદી સાંજે 6:30 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે, જ્યાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહના મતે, આ રોડ શો દેશભક્તિથી ભરપૂર હશે જેમાં અંદાજિત 50,000થી વધુ લોકો હાજર રહેશે. રસ્તાની બંને બાજુ તિરંગા લહેરાવશે, બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલ ફાઇટર જેટના ટેબ્લો મુકાશે અને સમગ્ર રૂટ પર દેશભક્તિનાં ગીતો ગૂંજશે.
વિશેષ ઝાંખીઓ:
19 અલગ-અલગ સ્ટેજ પર દેશભક્તિનાં કાર્યક્રમો
ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્સ અને પ્રતિકૃતિઓ
LEDs અને નાઈટ લાઈટિંગથી સજ્જ રૂટ
ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત
26મી મેએ સાંજે 4 વાગ્યાથી ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. એરપોર્ટ જનાર મુસાફરોને વહેલા જવા અપીલ કરાઈ છે. ટ્રાફિક રૂટ અંગે જાણકારી માટે હેલ્પલાઈન નંબર 1095 કાર્યરત રહેશે.
બંદોબસ્ત વિગત:
600 પોલીસકર્મી
10 PI, 3 ACP, 2 DCP હાજર
800 બસ માટે શહેરમાં 10 પાર્કિંગ ઝોન
ભાજપ સંગઠનની લોકમોબિલાઈઝેશન તૈયારી
વડા પ્રધાનના રોડ શોમાં દરેક વોર્ડમાંથી 100થી 150 લોકોને લાવવાનો ટાર્ગેટ BJP સંગઠનને આપવામાં આવ્યો છે. AMTS બસ દ્વારા લોકોની આવક વ્યવસ્થા થઈ રહી છે. કોર્પોરેટરો, ધારાસભ્યો અને શહેરના હોદ્દેદારો આ કામગીરીમાં જોડાયેલા છે.
ઉપસ્થિત રહેશે શહીદોના પરિવારજનો અને પૂર્વ સૈનિકો
આ યાત્રાને માત્ર રાજકીય નહિ પરંતુ રાષ્ટ્રપ્રેમનું રૂપ આપવા માટે શહીદોના પરિવારજનો અને પૂર્વ સૈનિકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં તેમના સન્માન માટે ખાસ વ્યવસ્થા થશે, જે ઓપરેશન સિંદૂરની સફળતાનું પ્રતિક બની રહેશે.
ભવ્યતા, સુરક્ષા અને સંદેશાનો ત્રિવેણી સંગમ
પીએમ મોદીના આ પ્રવાસ અને રોડ શો માત્ર રાજકીય કાર્યક્રમ નહિ પણ રાષ્ટ્રીય ગૌરવ, સુરક્ષા સિદ્ધિ અને લોકસંપર્કના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વના બની રહ્યા છે. ઓપરેશન સિંદૂરના પગલે જનતામાં ઉભરતી રાષ્ટ્રપ્રેમની લાગણીને ઉજાગર કરવા આ શ્રેણીબદ્ધ કાર્યક્રમો અદ્વિતીય ભૂમિકા ભજવશે.