Surat fashion designer Cannes Film Festival : ટીના રાંકાનું ફેશન ક્ષેત્રમાં 22 વર્ષનો પ્રવાસ
Surat fashion designer Cannes Film Festival : ફ્રાન્સમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની ફેશન ડિઝાઇનર ટીના રાંકાએ રેડ કાર્પેટ પર પેહલીવાર ફેશન વોક કરીને પોતાની ઓળખ બનાવી છે. ટીના એ તેમના ડ્રેસમાં ભારતીય વિવિધ સંસ્કૃતિઓની વિશેષ ઝલક પ્રસ્તુત કરી, જેનું પ્રશંસકો અને ફિલ્મ ઉદ્યોગના લોકો દ્વારા ઉંચું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સુરતનું પ્રતિનિધિત્વ કરતી ટીના શહેરની પહેલી એવી ફેશન ડિઝાઇનર છે જેમણે આ વૈશ્વિક મંચ પર ગુજરાતનું નામ રોશન કર્યું.
ટીના રાંકા, જે મૂળ રજસ્થાનની રહેવાસી છે, 22 વર્ષથી સુરતમાં છે. નાનપણથી ફેશન ડિઝાઇનિંગ પ્રત્યેની ઊંડી રસ ધરાવતી ટીનાએ રાજસ્થાનમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લગ્ન પછી સુરતમાં પોતાનું કામ શરૂ કર્યું. ફેમિલી સપોર્ટ સાથે તેણે પોતાની ફેશન બ્રાન્ડ ઊભી કરી છે. ટીના કહે છે કે દરેક ફેશન ડિઝાઇનરનું સપનું હોય છે દુનિયાભરના માધ્યમોથી પોતાની કળા રજૂ કરવાનું, અને તેઓ ધીમે ધીમે આ સપનાને હકીકતમાં બદલવાની યાત્રા પર છે.
અમદાવાદમાં ખાદી ફેશન શોમાં તેણે પોતાની પહેલી ડિઝાઇન રજૂ કરી. ત્યારબાદ તેનો ડેબ્યૂ દુબઈ ફેશન વીકમાં થયો અને ત્યાંથી તેની કારકિર્દી વધુ તેજ ગતિએ આગળ વધી.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ટીનાનો ડ્રેસ ખાસ રજૂઆત માટે બનાવાયો હતો જેમાં હાથેથી લગાવવામાં આવેલા 50,000 મોટે અને રંગબેરંગી રત્નોથી ભારતીય સ્ત્રીત્વ અને શક્તિને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું. આ ડ્રેસને બનાવવામાં 3,000 કલાકથી વધુ મહેનત લાગી, જેમાં દુપટ્ટા અને ઘરેણાં પરની શાહી કળા ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. બુટની શણગાર માટે પણ 150 કલાકની સાવધાની રાખવામાં આવી હતી, જેથી આ ડ્રેસનો લુક સંપૂર્ણ બને.
ટીનાએ જણાવ્યું કે, તેમની પ્રોફાઇલ અને કુશળતાને ધ્યાનમાં રાખીને તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું. ટોપરઝોન દ્વારા ટીના રાંકાને ભારતના ટોપ 10 ફેશન ડિઝાઇનર્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે, જે તેમના કાર્ય અને પ્રતિભાનો એક ખાસ દ્રષ્ટાંત છે.
સુરત સ્થિત આ પ્રતિભાશાળી ફેશન ડિઝાઇનર ટીના રાંકાને તેમની રચનાત્મકતા, નિખાલસ પ્રતિષ્ઠા અને કસ્ટમર માટે શ્રેષ્ઠ ડિઝાઇન લાવવા માટેની લાગણી માટે અનેક એવોર્ડ મળ્યા છે. તે માને છે કે સવારૂપ નારી જ્યારે આત્મવિશ્વાસ અને આરામથી ભરપૂર હોય, ત્યારે તે સૌથી સુંદર દેખાય છે અને તે પોતાની ડિઝાઇનો દ્વારા આ સુવિધા પુરી પાડવા માગે છે.
ટીના રાંકાનું ફેશન ક્ષેત્રમાં યોગદાન અને સખત મહેનત તેમને ફેશન જગતમાં એક અનોખું સ્થાન આપે છે, જે દેશ અને શહેર માટે ગૌરવનો વિષય છે.