TMKOC star cast Vadodara visit : અબ્દુલે કહ્યું – “આજે અમે જાનૈયા બનીને આવ્યા છીએ”
TMKOC star cast Vadodara visit : આજે, 25 મે, વડોદરાના શ્રી સાંઇનાથ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રીરંગ આયરે મળીને આયોજિત દિવ્યાંગ સમૂહલગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના જાણીતા કલાકારો હાજર રહ્યા. આ પ્રસંગે તન્મય વેકરીયા (બાઘો), કિરણ ભટ્ટ (નટુ કાકા), કુશ શાહ (જુનો ગોલી), નવીના વાડેકર (બાવરી) અને શરદ સંકલા (અબ્દુલ) સહિતની સ્ટાર કાસ્ટે પ્રગટાવ્યું કે તેઓ આ અનોખા સમારોહમાં સંપૂર્ણ ઉત્સાહથી ભાગ લેશે અને દિવ્યાંગ દંપતીઓને ખુશીઓની ભેટ આપશે.
તન્મય વેકરીયાએ જણાવ્યું, “રાજેશભાઈ આયરે છેલ્લા 15 વર્ષોથી આ સેવા કાર્ય કરી રહ્યા છે. એ લોકોને એકઠા કરી નવી દિશા આપવાનું ખૂબ સુંદર કાર્ય છે. આવો સમૂહલગ્ન પ્રથમવાર જોયો છે અને આ અનુભવો અમને ગહન પ્રેરણા આપે છે.” તન્મયે આગળ ઉમેર્યું કે જૂના નટુ કાકા ગયા અને નવા નટુ કાકા આવ્યા એ અનુભવસમાન લાગતો નથી. નવા નટુ કાકા સાથે કામ કરવાથી વધુ મોજ આવે છે. બાવરી વિશે તેઓએ કહ્યું, “બાવરી ખૂબ શાંત અને સરળ સ્વભાવની છે, શૂટિંગ પર આવે ત્યારે ‘હાય’ કહે છે અને જાય ત્યારે ‘બાય’, પરંતુ સ્ટેજ પર આવે ત્યારે તેનું પરફોર્મન્સ અદ્દભૂત હોય છે.”
શરદ સંકલા (અબ્દુલ)એ પોતાનું ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, “આજે અમે જાનૈયા બનીને વડોદરા આવ્યા છીએ. જીવનનાં બધા દુઃખો ભૂલીને નાચો-ગાવો અને ખુશ રહો.” તેઓએ ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના જાણીતા ડાયલોગની છાપ છોડી, પોતાના દિલથી વડોદરા માટે પ્રેમ વ્યક્ત કર્યો.
નવીના વાડેકરે (બાવરી) પોતાની ભાવનાઓ શેર કરતા કહ્યું, “દિવ્યાંગ લોકો પાસે અદ્ભુત હિંમત હોય છે. આપણામાં ઘણા લોકો નાની-નાની બીમારીઓ માટે ફરિયાદ કરતા હોય છે, પરંતુ તેઓ ક્યારેય ભગવાનને ફરિયાદ કરતા નથી. આજે આ સમૂહલગ્નમાં હાજરી આપીને ખૂબ આનંદ થયો.” તેમણે લગ્નના સંકેત સાથે કહ્યુ કે, “લગ્ન જીવનમાં મોટો ફેરફાર લાવે છે, ખાસ કરીને છોકરીઓ માટે. પરંપરાગત રીતે છોકરીઓને ઘર છોડવું પડે એ સમસ્યા છે, જે બદલવાની જરૂર છે.”
કુશ શાહ (જુનો ગોલી)એ પોતાનું ભાવિ પ્રોજેક્ટ્સ અંગે અવગત કરાવતાં જણાવ્યું, “મને ‘તારક મહેતા’ની બહુ યાદ આવે છે, પરંતુ હવે નવા અવસર માટે ઉત્સાહિત છું. ટૂંક સમયમાં તમારા માટે ખુશખબર લાવવાનો છું..”
આ કાર્યક્રમમાં 20,000 કરતાં વધુ લોકો ઉમટી આવ્યા હતા અને દીવ્યાંગ યુગલોને શુભકામનાઓ પાઠવી ઉમંગભર્યા પળો વિતાવ્યા હતા. વડોદરામાં આવો વિશિષ્ટ સમૂહલગ્ન પ્રથમવાર આયોજિત થયો હતો, જે સમાજમાં એકતા અને સન્માનનો સંદેશ આપે છે.