IMD Monsoon Alert કેરળથી માત્ર 24 કલાકમાં પહોંચ્યો વરસાદ, તંત્ર માટે ચિંતાનો વિષય
IMD Monsoon Alert આ વર્ષે ચોમાસું ભારતીય ઉપખંડમાં અનોખી ગતિએ પ્રવેશ કરી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ના મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2025માં પોતાના નિર્ધારિત સમય કરતાં ઘણું વહેલું મહારાષ્ટ્રમાં પ્રવેશી ગયું છે. સામાન્ય રીતે ચોમાસુ જૂનના પહેલા અઠવાડિયે મહારાષ્ટ્ર પહોંચે છે, પરંતુ આ વખતે તે મે મહિનાના અંતમાં જ સક્રિય થઈ ગયું છે.
IMDના આંકડા પ્રમાણે, ચોમાસું 24 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું અને માત્ર 24 કલાકની અંદર મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા સુધી પહોંચી ગયું. આ ઝડપ હવામાનવિદો માટે આશ્ચર્યજનક છે, કારણ કે છેલ્લા ઘણાં વર્ષોમાં આવી ચળપળ જોવા મળી નથી.
28 મે સુધીમાં મુંબઈમાં મૌસમનો મિજાજ બદલાશે
આગામી થોડાં જ દિવસોમાં – ખાસ કરીને 28 મે સુધીમાં – ચોમાસું મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ પ્રવેશી શકે છે. જો આવું થાય તો મુંબઈમાં ચોમાસું 50 વર્ષ પછી પહેલીવાર મે મહિનામાં આવી જશે. અગાઉ 1961 અને 1971માં 29 મેના રોજ ચોમાસું આવી ચૂક્યું છે, જ્યારે 1990 અને 2006માં તે 31 મેના રોજ પહોંચ્યું હતું.
ચોમાસું લાવ્યું રાહત પણ સાથે પડકારો પણ
હવામાનમાં બદલાવથી રાજ્યના ઘણા ભાગોમાં ગરમીમાંથી થોડી રાહત મળી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારોમાં પારો નીચે ગયો છે. ખેડૂત સમુદાય માટે ચોમાસાનું વહેલું આગમન શુભ સંકેત ગણવામાં આવી રહ્યું છે, કેમ કે વાવણી માટે પૂરતું પાણી વહેલા મળે તેવી સંભાવના છે.
પરંતુ શહેરી વિસ્તારોમાં હાલત જુદી છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદની સાથે પાણી ભરાવા, ટ્રાફિક સમસ્યાઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની આશંકા છે. વહીવટીતંત્રએ નાગરિકોને સતર્ક રહેવા, નિકાસ માર્ગોને સ્વચ્છ રાખવા અને આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.
આ વર્ષનું ચોમાસું એક તરફ આનંદ લાવે તેમ છે, તો બીજી તરફ તે શહેરી તંત્ર માટે તૈયારીની કસોટી સાબિત થવાની તૈયારીમાં છે.