Air Passenger Traffic Increase ICRAએ રજૂ કર્યો હવાઈ ઉદ્યોગનો આકર્ષક રિપોર્ટ, નાણાકીય વર્ષ 2026માં પણ વૃદ્ધિની ધારણા
Air Passenger Traffic Increase એપ્રિલ 2025માં ભારતના હવાઈ મુસાફરી ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. રેટિંગ એજન્સી ICRA દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અનુસાર, દેશની સ્થાનિક હવાઈ મુસાફરીમાં વાર્ષિક ધોરણે આશરે 10.2 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલ 2025 દરમિયાન અંદાજે 145.5 લાખ મુસાફરોએ ઉડાન ભરી, જે ગયા વર્ષે એપ્રિલ 2024માં 132 લાખ જેટલાં હતા.
માર્ચ 2025ની સરખામણીમાં યાત્રાળુઓની સંખ્યામાં મોટો ફેરફાર નહોતો જોવા મળ્યો, પરંતુ વાર્ષિક ધોરણે વૃદ્ધિનો આંકડો ઉદ્યોગ માટે આશાવાદી સંકેત આપે છે. એરલાઇન ક્ષમતા (કેટલી સીટ ઉપલબ્ધ હતી) પણ વાર્ષિક ધોરણે 6.9% વધી છે, જોકે માર્ચની સરખામણીમાં તેમાં 4.2% ઘટાડો નોંધાયો.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ તેજ ગતિએ વધ્યો
ICRAના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય એરલાઇન્સ દ્વારા નાણાકીય વર્ષ 2024–25 દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં 14.1%નો વધારો થયો છે. FY25 દરમિયાન કુલ 338.6 લાખ મુસાફરોએ વિદેશ યાત્રા કરી, જ્યારે કોવિડ પહેલાંના FY20માં આ આંકડો 227.3 લાખ હતો. આ તુલનામાં 49%ની વધારાની નોંધ થઈ છે.
નાણાકીય વર્ષ 2026 માટે પણ તેજીની આગાહી
ICRAએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2026 દરમિયાન પણ હવાઈ મુસાફરીમાં 7%થી 10% વચ્ચેનો વૃદ્ધિ દર રહેશે. ઉદ્યોગ માટે આ દૃષ્ટિકોણ સ્થિર છે, કારણ કે મુસાફરીની માંગ સતત વધી રહી છે અને ખર્ચ પર નિયંત્રણ પણ સંભવ છે. ICRAએ ઉમેર્યું કે ભલે હવાઈ ઇંધણના ભાવ અને અન્ય ખર્ચ પર પડકારો રહશે, ઉદ્યોગને સ્થિર ભાવશક્તિ અને વધતી માંગ દ્વારા સપોર્ટ મળશે.
ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ સતત વૃદ્ધિ પામે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માર્ગે મુસાફરોની વધતી સંખ્યા હવાઈ પ્રવાસ માટે નવો યુકાળ ખોલી રહી છે. જો હાલની ગતિ યથાવત રહે, તો આ ઉદ્યોગ આગામી વર્ષોમાં પણ સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે.