મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે અને ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પરિવહન ખોરવાયું છે તથા જનજીવન પ્રભાવિત થયું છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ છે, જ્યારે પૂણેમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો પણ બન્યા છે. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલવે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અપ અને ડાઉન સાઈડ લોકલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે હાર્બર લાઈન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે.
મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. રવિવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટી તંત્રે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખશે.
ગઈકાલે લગભગ 35 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ચોમાસું સમય પહેલા પહોંચ્યું છે. સામાન્ય રીતે ચોમાસું 5 જૂનની આસપાસ રાજ્યમાં એન્ટ્રી કરે છે. આ વખતે તે 10 દિવસ વહેલું આવી ગયું. આ પહેલા 1990 માં 20 મી મેના પહોંચ્યું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે.
રવિવારે પૂણે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. પૂણે-સોલાપુર હાઈ-વે પર પાટાસ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. આના કારણે ઘણી નદીઓ અને નાળા અચાનક છલકાઈ ગયા.
અનેક વાહનો તણાઈ ગયા, ટ્રેક્ટર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પૂણેના બારામતી અને ઈન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં એનડીઆરએફની ર ટીમો બચાવ માટે તહેનાત કરવામાં આવી છે. પૂણેના બારામતીમાં 83.6 મી.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે ઈન્દાપુરમાં 35.7 મી.મી. વરસાદ નોંધાયો હતો. ઈન્દાપુરના 70 ગામોમાં બારામતીના ૧150 ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં.