Gujarat Rain ચોમાસાની રાહ જોઈ રહેલા ગુજરાતમાં વરસાદે દીધી દસ્તક, દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain ગજરાતમાં ચોમાસા પૂર્વેનું વરસાદી માહોલ વધી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનો માહોલ યથાવત છે અને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળી સાથે હળવા વરસાદની શક્યતા છે.
તે સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અને ગીર સોમનાથ જેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
સોમવારે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. ભરૂચના હાંસોટમાં સૌથી વધુ – 2.5 ઇંચ વરસાદ થયો. ભાવનગરના મહુવામાં 2.25 ઇંચ, નેત્રંગ અને ભરૂચ શહેરમાં 2 ઇંચ, સુરતના માંગરોળમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો.
અન્ય વિસ્તારો જેમ કે કામરેજ, ધોલેરા, ઝઘડિયા, નાંદોદ, તળાજા, વાગરા, તિલકવાડા, ધારી, શિનોર અને તાલાલા – સર્વત્ર અડધા થી પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
29 મે સુધી વરસાદ ચાલુ રહેશે, ચેતવણી પણ અપાઈ
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું બેસી શકે છે. 29 મે સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
દરિયાકાંઠે ચેતવણી – માછીમારો માટે સૂચના
30 અને 31 મેના રોજ દરિયામાં ઉંચા ઠેરા થવાની શક્યતા હોવાથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા અનુરોધ કરાયો છે.
મહારાષ્ટ્રમાં વાવાઝોડું માહોલ: રેડ એલર્ટ જાહેર
મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરીમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં મેઘરાજાએ સમય કરતાં 16 દિવસ વહેલા આગમન કરીને 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
રેલવે સેવાઓ ખોરવાઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. દેશના અન્ય ભાગો જેવા કે ઉત્તર ભારત અને કર્ણાટકમાં પણ વરસાદી માહોલનું યથાવત રહેવાની આગાહી છે.